દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા બુધવારે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ આજરોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ એ.એલ. બારસિયા, પી.જે. ખાંટ તેમજ એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કરાયેલી પેટ્રોલિંગ કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજીયા, બલભદ્રસિંહ ગોહિલ અને ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકામાં આવેલા નરસંગ ટેકરી વિસ્તારમાં ગઈકાલે બુધવારે વનરાજભા કારૂભા વાઘા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવીને અહીં ઘોડીપાસાના જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અહીં ઘોડીપાસાનો અખાડો ચલાવતા એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી પોલીસે વનરાજભા કારૂભા વાઘા, વિજય ચંદુભાઈ તાવડી, કિશોર રામજી કારાણી, મનોજ ખીમજી ચાનપા, હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર, કાનજી દેવદાન માતકા, ખેરાજ હરદાસ માતકા, મયુર જગદીશ માવાણી અને વિરલ જમનાદાસ થોભાણી નામના કુલ નવ શખ્સોને દબોચી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 1,62,000 ની રોકડ રકમ ઉપરાંત રૂા. 65,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 50,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2,70,200 નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે દ્વારકા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આકાશ બારસીયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, ડાડુભાઈ જોગલ, પ્રદિપસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, પીઠાભાઈ ગોજીયા, લખનભાઈ પિંડારિયા, વિશ્વદિપસિંહ જાડેજા તથા હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.