ઇન્દોર ખાતે આજે શનિવારથી શરૂ થઇ રહેલી 82મી જુનિયર અને યૂથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની જુનિયર અને યૂથ ગર્લ્સ ટીમ સજજ થઇ ગઇ છે. જુનિયર ટીમની આગેવાની સુરતની આફ્રિન મુરાદ સંભાળશે જયારે યૂથ કેટેગરીમાં તમામની નજર ભાવનગરની કવિશા પારેખ પર રહેશે. આફ્રિન મુરાદે 2021ની સિઝનનો ભવ્ય પ્રારંભ કરીને ગાંધીધામ ખાતેની જુનિયર ગર્લ્સ ઇવેન્ટનું ટાઇટલ જીત્યું હતું. આ ડાબોડી ખેલાડી ફરી એક વાર તેના ફોર હેન્ડ આક્રમણ પર આધાર રાખશે. આફ્રિન મુરાદની સાથે નામના જયસ્વાલ(ભાવનગર), મિલી તન્ના(સુરત) અને કૌશા ભૈરપૂરે(અમદાવાદ) જુનિયરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

જુનિયર વિભાગમાં સુરતની ફિલઝાહ કાદરીને વાઇલ્ડ કાર્ડ પ્રવેશ મળ્યો છે. તેણે યૂથ ઇવેન્ટમાંથી નામ પરત ખેંચી લીધું છે. તમામ ખેલાડી કવોલિયફાઇંગ રાઉન્ડથી તેમના અભિયાનનો પ્રારંભ કરશે.
યૂથ કેટેગરીમાં પણ આફ્રિન મુરાદ ગુજરાતની સફળતાનો આધાર રહેશે. તે શાનદાર ફોર્મમાં છે અને તેની પાસે એકાદ બે અપસેટ સર્જવાની ક્ષમતા છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનનના પ્રમુખ મિત્રાએ, જણાવ્યું હતું કે, ગુજરાતની ગર્લ્સમાં ઘણી પ્રતિભા છે. 2017માં સબ જુનિયર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ફિલઝાહે પુરવાર કરી દેખાયું છે કે ગુજરાત પાસે પ્રતિભા છે. તેમનામાં નેશનલ લેવલે જીતવાની ક્ષમતા છે. આ માટે તેમણે પોતાનામાં વિશ્ર્વાસ દાખવવાની જરૂર છે.
ટીમો:- જુનિયર ગર્લ્સ: આફ્રિન મુરાદ(સુરત), નામના જયસ્વાલ(ભાવનગર), મિલી તન્ના(સુરત), કૌશા ભૈરપૂરે(અમદાવાદ).
યૂથ ગર્લ્સ: આફ્રિન મુરાદ(સુરત), કૌશા ભૈરપૂરે(અમદાવાદ), ચાર્મી પટેલ (ભાવનગર) અને કવિશા પારેખ (ભાવનગર).
કોચ:- સોનલ જોશી (ભાવનગર), ભૌમિક ઓઝા (એસએજી).