કાલાવડ તાલુકાના મુળીલા ગામના વાડી વિસ્તારમાં બે ખેતમજૂરો વચ્ચે શાક અને રોટલા બનાવવાની બાબતે થયેલી બોલાચાલી અને મારામારીમાં યુવાનને સાથે રહેતાં ખેતમજૂરે ધક્કો મારી કૂવામાં નાખી દેતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ દાહોદ જિલ્લાના શિંગવડ તાલુકાના શિંગવડ ગામના વતની મહેન્દ્રભાઇ ભોળાભાઇ સંગાળા (ઉ.વ. 32) નામના યુવાન કાલાવડ તાલુકાના મુળીલા ગામની સીમમાં આવેલા ઘેલુભા નાયુભા જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં હતાં. દરમ્યાન ગત્ તા. 30 નવેમ્બર, 2025ના રોજ સાંજના સમયે મહેન્દ્રભાઇ તેના ખેતર ઉપર મજૂરીકામ કરતાં હતાં. ત્યારે મહેન્દ્રભાઇ કૂવામાં પડી જતાં મોત નિપજયાની ઘટનામાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. જે તે સમયે આ બનાવમાં શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા ન હતાં. ત્યારબાદ પોલીસે પોસ્ટમોર્ટમ અને વિશેષ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન મૃતક મહેન્દ્રભાઇની સાથે ખેતમજૂરી કરતાં ઇનુ ઉર્ફે વિનુ લાલસીંગ ગરાસિયા (ઉ.વ.32) નામના શખ્સ ઉપર શંકા હોવાથી ઇનુની પૂછપરછ દરમ્યાન બનાવના દિવસે ઇનુ અને મહેન્દ્રભાઇ વચ્ચે શાક-રોટલા બનાવવાની બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાદ ઝપાઝપી અને મારામારી થવાથી ઇનુએ બાજુમાં જ રહેલા કૂવામાં મહેન્દ્રભાઇ પડી ગયા હતા. ત્યારબાદ ઇનુ મહેન્દ્રભાઇને બચાવવાને બદલે નાસી ગયો હતો. બાદમાં બનાવ હત્યામાં પલ્ટાતા મૃતકના પત્ની સુરેખાબેનના નિવેદનના આધારે પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફએ ગુનો નોંધી ઇનુની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


