જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા હતા. વરસાદને પરિણામે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજીતરફ ખેતીના પાકોને ફાયદો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલાર પંથકમાં ગઇકાલે અડઘાથી છ ઇંચ સુધી પાણી વરસી જતાં સચરાચર મેઘમહેર જોવા મળી હતી. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઇકાલે મેઘરાજાની કૃપા જોવા મળી હતી. તો દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઇકાલે થયેલા વરસાદથી જામનગરના દરેડમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર જળમગ્ન થયું હતું. તેમજ રણજિતસાગર ડેમ પણ ફરીવખત ઓવરફ્લો થયો હતો. રંગમતિ ડેમના પાટિયા ખોલવામાં આવતા જામ્યુકો દ્વારા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. સાર્વત્રિક વરસાદને પરિણામે નદીઓમાં પૂર આવતાં નદીઓ ગાંડીતૂર બની હતી. જામનગર શહેરમાં પણ ગઇકાલે બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવતાં મેઘરાજાનું આગમન થયું હતું. જામનગરના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમયાન જોડિયા તાલુકામાં 4 ઇંચ, લાલપુર તાલુકામાં પોણા ચાર ઇંચ, જામજોધપુર તાલુકામાં ત્રણ ઇંચ, કાલાવડ તાલુકામાં પોણા ત્રણ ઇંચ તથા જામનગર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ધ્રોલ તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પરિણામે જામનગરના રંગમતિ ડેમમાં પાણીની ભારે આવક થતાં રંગમતિ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. રંગમતિ ડેમના પાટિયા ખોલવામાં આવતા દરેડનું ખોડિયાર માતાજીનું મંદિર પણ પાણીમાં જળમગ્ન થયું હતું. આ પાણી વિકટોરિયા પૂલ રંગમતિ નદી સુધી પહોંચ્યું હતું. રંગમતિ ડેમના દરવાજા ખોલવામાં આવતા જામનગરના નવાગામ ઘેડ, ચેલા, ચંગા, નવા નાગના, જૂના નાગના સહિતના ગામના લોકોને તંત્ર દ્વારા સાવધાન રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા તાકિદ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા પણ માઇક વડે વિવિધ વિસ્તારોમાં લોકોને સાવચેતી જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સિદસર ગામ પાસે આવેલ ઉમિયાસાગર ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. જામજોધપુરના ખરાવાડ વોકરી વિસ્તારમાં વરસાદના પાણી ભરાતાં એક મોટરકાર તેમાં ફસાઇ હતી. જેને સ્થાનિક રહેવાસીઓએ મહાજહેમતે બહાર કાઢી હતી. આ ઉપરાંત જામનગરના રંગમતિ-નાગમતિ ડેમના દરવાજા ખોલવામાં આવતાં નાગમતિ બેઠા પુલ પર પાણીની ભારે આવક શરૂ થઇ હતી. જેના પરિણામે એક ગાય પાણીના કચરાંના ઢગલામાં ફસાઇ ગઇ હતી. જામનગરના તાલુકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઇકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જામનગર તાલુકાના મોટી ભલસાણમાં સાડા ચાર ઇંચ, જામવણથલીમાં બે ઇંચ, મોટી બાણુંગાર, ફલ્લા, અલિયાબાડા તથા દરેડમાં અડધો-અડધો ઇંચ, વસઇ તથા લાખાબાવળમાં આઠ-આઠ મી.મી., જોડિયા તાલુકાના બાલંભામાં 6 ઇંચ, હડિયાણા તથા પીઠડમાં અડધો-અડધો ઇંચ, ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણીમાં પોણો ઇંચ, લતીપુરમાં પોણો ઇંચ, લૈયારામાં પાંચ મી.મી., કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં પોણા ત્રણ ઇંચ, નવાગામમાં ત્રણ ઇંચ, મોટા પાંચ દેવડામાં પોણા બે ઇંચ, નિકાવા તથા ખરેડીમાં સવા-સવા ઇંચ, મોટા વડાળામાં એક ઇંચ, જામજોધપુર તાલુકાના ધુનડામાં ચાર ઇંચ, સમાણામાં ચાર ઇંચ, શેઠવડાળામાં 3 ઇંચ, જામવાડીમાં અઢી ઇંચ, ધ્રાફામાં પોણા ચાર ઇંચ, પરડવામાં અઢી ઇંચ, વાંસજાળિયામાં બે ઇંચ, લાલપુર તાલુકાના મોટા ખડબામાં સાડા ત્રણ ઇંચ, ભણગોરમાં અઢી ઇંચ, હરિપરમાં અઢી ઇંચ, પીપરટોડામાં સવા બે ઇંચ તથા પડાણામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ વરસાદની ગતિ ધીમી રહ્યા બાદ ગઈકાલે ગુરુવારે સવારથી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે હળવા તેમજ ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં ગુરુવારે આખો દિવસ ભાણવડ તાલુકામાં મેઘ મહેર વરસતા બે ઈંચ (52 મી.મી.) પાણી પડી ગયું હતું. તે જ રીતે ખંભાળિયામાં પણ દિવસ દરમિયાન 13 મી.મી. વરસાદ નોંધાયો છે. જોકે ખંભાળિયા તાલુકાના કોટા, જે.પી. દેવળીયા સહિતના કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવેલા જોવા મળ્યા હતા.આ સાથે કલ્યાણપુર તાલુકામાં 3 મી.મી. પાણી વરસી ગયું હતું.
ગઈકાલે દિવસ દરમિયાન ખંભાળિયામાં અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ત્રાસી ગયા હતા. આજે પણ દિવસ દરમિયાન વરસાદી વિરામ વચ્ચે થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. આજે સવારે 10 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 14 ઈંચ (348 મી.મી.), દ્વારકામાં 10 ઈંચ (254 મી.મી.), ભાણવડમાં સાડા નવ ઈંચ (241 મી.મી.) અને ખંભાળિયામાં સવા આઠ ઈંચ (214 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 10 ઈંચ (264 મી.મી.) થવા પામ્યો છે.
સલાયામાં બે દિવસથી વરસાદે વીરામ લીધો હતો.વાદળો ઘેરાયેલા રહેતા હતા પણ બહુ વરસાદ વરસતો ન હતો. ગઇકાલે સવારે પણ તડકો નીકળ્યો હતો પણ બપોર બાદ 4 વાગ્યાથી વાદળો ઘેરાયા હતા અને ધીમીધારે પોણો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.