જામનગર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં રહેતાં આશાસ્પદ યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાની ઘટનાના ગણતરીના કલાકોમાં જ પુત્રના આઘાતમાં માતાનું પણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આવેલી નાગજીભાઇ વૈદ્યની સૌથી જૂની પેઢી તેનો પૌત્ર રાજ અજીતભાઇ વલેરા નામનો યુવાન ચલાવતો હતો અને વર્ષો જૂની પેઢીના સંચાલક એવા યુવાન રાજને શનિવારે બપોરના સમયે એકાએક હૃદયરોગનો હુમલો આવતા દુકાનમાં જ યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાનના મૃતદેહને તેના ઘરે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં રાજના મૃત્યુથી તેની રાજકોટથી આવેલી બહેન શ્રેયા શનિભાઈ ફોફરીયા અને માતા ધિરજબેન વલેરા તથા પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. યુવાનના મૃત્યુની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
પરંતુ તે દરમિયાન એક તરફ યુવાન પુત્રની અંતિમવિધિ ચાલી રહી હતી અને બીજી તરફ ઘરે તેની માતા ધીરજબેન અજીતભાઈ વલેરાને યુવાન પુત્રના મોતનો આઘાત સહન ન થતા માતા ધીરજબેનને પણ હૃદયરોગનો હુમલો આવતા માતાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પુત્રના મૃત્યુના થોડા જ કલાકોમાં માતાનું પણ મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજ વલેરાની અંતિમ ક્રિયા બાદ તેની માતા ધીરજબેનની પણ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
શહેરમાં આશરે 100 વર્ષ જૂની જૂના નાગજીભાઈ વૈદ્યની પેઢીનું સંચાલન તેનો પૌત્ર રાજ વલેરા કરતો હતો. વર્ષો જૂના બ્રહ્મ ક્ષત્રિય પરિવારમાં માતા અને પુત્રના ગણતરીના કલાકોમાં જ મોત નિપજતા આભ તૂટી પડયું હતું.