દક્ષિણપૂર્વ યુક્રેનમાં રહેણાંક મકાન પર રશિયન મિસાઈલ હુમલામાં પાંચ બાળકો સહિત કુલ 44 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, મંગળવારે કાટમાળમાંથી અન્ય એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. એક જગ્યાએ એકઠા થયેલા નાગરિકોની સંખ્યાના આધારે ડિનિપ્રો શહેરમાં થયેલો આ હુમલો અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સતત જાનહાનિના અહેવાલો સામે આવી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલા તેજ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરિલો ટિમોશેન્કોએ જણાવ્યું હતું કે, શનિવારના હુમલામાં પાંચ બાળકો સહિત 44 લોકો માર્યા ગયા હતા, જ્યારે 79 ઘાયલ થયા હતા. બહુમાળી ઇમારતમાં લગભગ 1,700 લોકો રહેતા હતા અને અંતિમ મૃત્યુઆંકમાં હુમલા પછી ગુમ થયેલા બે ડઝન લોકોનો સમાવેશ થાય છે.