Thursday, July 2, 2026
Homeરાજ્યહાલારકાલાવડ તથા જામજોધપુરના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની પધરામણી

કાલાવડ તથા જામજોધપુરના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની પધરામણી

જામનગર જિલ્લાના જામજોધપુર તથા કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે મેઘરાજાની પધરામણી થઇ હતી. ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ રાહત જોવા મળી હતી. જામનગર શહેરમાં પણ આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરીજનો હવે આતુરતા પૂર્વક મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે.

- Advertisement -

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગઇકાલે જામનગર જિલ્લાના જામજોધપુર તથા કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, નવાગામ તથા જામજોધપુર તાલુકાના સમાણા સહિતના ગ્રામ્ય પંથકોમાં ગઇકાલે છુટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. જામનગર જિલ્લામાં જુન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઇ માસના પ્રારંભે પ્રથમ દિવસે જ જિલ્લામાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. કેટલાક ગ્રામ્ય પંથકોમાં ગઇકાલે મેઘરાજાએ પધરામણી કરી હતી.

જામનગર જિલ્લાના પીએચસી ખાતે નોંધાયેલ આંકડા મુજબ કાલાવડ તાલુકાના નવાગામમાં પોણો ઇંચ (20 મી.મી.), મોટા પાંચદેવડામાં અડધો ઇંચ (10 મી.મી.), નિકાવામાં 1 મી.મી., ખરેડીમાં 5 મી.મી., મોટા વડાળામાં 3 મી.મી., જામજોધપુર તાલુકાના સમાણામાં 1 ઇંચ (23 મી.મી.), વાંસજાળીયામાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી માર્ગો પર પાણી ફરી વળતા જોવા મળ્યા હતાં. જામનગર શહેરમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અસહ્ય ગરમીનો સામનો કર્યા બાદ શહેરીજનો હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

- Advertisement -

જામનગર બાજરા સંશોધન કેન્દ્ર અનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 35.6 ડીગ્રી, લઘુત્તમ તાપમાન 29 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા તથા પવનની ગતિ 13.6 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular