Thursday, July 2, 2026
Homeવિડિઓખંભાળિયાના યુવાનની હત્યા કરી લાખોના દાગીનાની લૂંટ - VIDEO

ખંભાળિયાના યુવાનની હત્યા કરી લાખોના દાગીનાની લૂંટ – VIDEO

ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કર્યાની તથા રૂપિયા સાડા 24 લાખની કિંમતના આશરે 35 તોલા સોનાના દાગીનાની લૂંટ થયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં હજામ પાડો વિસ્તારમાં આવેલી પઠાપીરની દરગાહ પાસે રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા આસિફભાઈ ઓસમાણભાઈ લાખા ગત સાંજે આશરે છએક વાગ્યે તેમના નાનાભાઈ હમીદભાઈની મેઈન બજારમાં આવેલી રેડી મેઈડ કપડાંની દુકાને બેસવા આવ્યા હતા. ત્યાં તેમને કોઈ વ્યક્તિનો ફોન આવતા તેઓ આશરે સાતેક વાગ્યાના સમયે તેમની દુકાનેથી નીકળ્યા હતા. ત્યારબાદ ખંભાળિયાથી આશરે નવ કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા કાચા રસ્તે આવેલા એક ભરડિયા નજીક તેમનો લોહીલોહાણ હાલતમાં શર્ટના ખુલ્લા બટન સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ મૃતકના નાનાભાઈ હમીદભાઈ ઓસમાણભાઈ લાખાએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના મોટાભાઈ આસીફભાઈ લાખાને ખંભાળિયામાં રહેતા હાજા ભારમલ આસાણી અને લક્કીરાજસિંહ ઉર્ફે મહિપાલસિંહ મહાવીરસિંહ વાઢેર નામના બે શખ્સોએ ગુનાહિત કાવતરું રચીને તેમના મોટાભાઈ આસીફભાઈને વિરમદળ માર્ગ પર બોલાવ્યા હતા. જ્યાં આ બંનેએ તેમને બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે બેફામ માર મારી, હત્યા નિપજાવી હતી. આ પછી ઉપરોક્ત આ બંને શખ્સોએ આસિફભાઈએ પહેરેલા આશરે 35 તોલા જેટલા વજનના વજનદાર કિંમતી ચેન તથા અલગ અલગ છ વીંટીઓ લૂંટીને નાસી છૂટ્યા હતા. આ સોનાના દાગીનાની કુલ કિંમત આશરે રૂપિયા 24 લાખ 50 હજારની ગણવામાં આવી છે.

મૃતક આસીફભાઈના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બનતા અહીંની સરકારી હોસ્પિટલે આસીફભાઈના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ સાથે મોટી સંખ્યામાં નગરજનો દોડી ગયા હતા.

- Advertisement -

આ બનાવ હાલ ટોક ઓફ ટાઉન બની રહ્યો છે. જેમાં પોલીસે મૃતકના નાનાભાઈ હમીદભાઈ લાખાની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular