Sunday, October 13, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી માવઠું: ઉભા મોલને વ્યાપક નુકસાની

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી માવઠું: ઉભા મોલને વ્યાપક નુકસાની

વાતાવરણ ટાઢુ બોળ: જનજીવન પ્રભાવિત

- Advertisement -
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા નોંધપાત્ર પલટા વચ્ચે ગત રાત્રે તથા આજે સવારે જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું છે. જેના પગલે ખેડૂતોને નુકસાની થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
દેશના હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં તારીખ 20 સુધીમાં હળવા તથા ભારે ઝાપટા રૂપે કમોસમી માવઠું વરસવાની આગાહી કરવામાં આવી હતી. આ વચ્ચે ગઇકાલથી જ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને વરસાદી માહોલ બંધાયો હતો.
આ વચ્ચે ગત રાત્રે કલ્યાણપુર તાલુકાના ભાટીયા, ભોગાત સહિતના વિસ્તારોમાં કમોસમી છાંટા વરસ્યા હતા. આ ઉપરાંત આજે વહેલી સવારે ખંભાળિયા તાલુકામાં પણ વરસાદી ઝાપટા વરસતા માર્ગો પાણીથી ભીંજાયા હતા. ખંભાળિયા- ભાણવડ માર્ગ પરના માંઝા, લલીયા, વિગેરે ગામોમાં આજે સવારે હળવા છાંટા વરસ્યા છે. આ જ રીતે મોવાણ સહિતના ગામોમાં પણ ધીમા ઝાપટા વરસ્યા હતા. જ્યારે ખંભાળિયા-દ્વારકા માર્ગ પરના સોનારડી, ભાતેલ, દાત્રાણા વિગેરે ગામોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ખંભાળિયા – જામનગર માર્ગ પરના માંઢા, વાડીનાર, ભરાણા, વિગેરે ગામોમાં પણ કમોસમી માવઠું વરસ્યાના વાવડ છે.
આ સાથે દ્વારકા તાલુકામાં પણ આજે સવારે નવેક વાગ્યે જુદા જુદા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા સાથે ઓખા સુધી પણ આ માવઠાની અસર રહી છે. જેના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
ખંભાળિયા સાથે જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં આ કમોસમી માવઠાને પગલે ધરતીપુત્રો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. અનેક વિસ્તારો ખેતરોમાં લીલા પાથરાને તેમજ ખુલ્લામાં પડેલી ખેત જણસને નુકસાન થયાનું પણ જાણવા મળ્યું છે.
આ કમોસમી માવઠાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એટલું જ નહીં, વરસાદ પગલે ફૂંકાતા ધીમા પરંતુ ઠંડા પવનના કારણે લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular