1992ની 28મી સપ્ટેમ્બરે એન્ટ્રિકસ કોર્પોરેશન નામની ખાનગી કંપની ભારત સરકારે વેચાતી લીધી. જે-તે સમયે સરકારે એવો હેતુ જાહેર કર્યો કે, આ કંપની ઇસરોની પ્રોડકટસ, સેવાઓ અને ટેકનોલોજીનો વેપાર કરશે. આ સોદા સાથે આ કંપની ભારત સરકારનું જાહેરસાહસ બની. તેનો સંપૂર્ણ વહવિટ દેશનો અવકાશ વિભાગ કરે છે.
આ કંપનીએ વિશ્ર્વના વિવિધ દેશો સાથે કરારો અને બિઝનેસ કર્યા છે. 2008માં સરકારે આ કંપનીને મિની રત્નનો એવોર્ડ આપ્યો હતો. 2014-15માં આ કંપનીનું ટર્નઓવર રૂા.18 અબજ હતું.
2014ની 29મી જાન્યુઆરીએ આ કંપનીએ વિવિધ દેશોની કંપની સાથે કરારો કર્યા. 2014ની પાંચમી ફેબ્રુઆરીએ એન્ટ્રિકસ નામની આ કંપનીએ સિંગાપોરની કંપની સાથે પણ કરાર કર્યો. એજ રીતે કેનેડા સહિતના દેશોની કંપનીઓ સાથે કરારો થયાં. 2018ના જાન્યુઆરી સુધીમાં વિશ્ર્વના 23 દેશોના 209 ઉપગ્રહો ઇસરો દ્વારા અવકાશમાં મુકવામાં આવ્યાં. દરમ્યાન અન્ટ્રિકસ દ્વારા 2016 થી 2019 દરમ્યાન 239 ઉપગ્રહો અવકાશમાં તરતા મુકવામાં આવ્યા અને કંપનીને તેમાંથી રૂા.6289 કરોડની આવક થઇ.
દરમ્યાન 2005ના જાયુઆરીમાં એન્ટ્રિકસ કોર્પોરેશને દેવાસ મલ્ટીમીડિયા નામની કંપની સાથે S-BAND નામનો કરાર કર્યો. આ કરારની કિંમત 14 અબજ રૂપિયા હતી. દરમ્યાનમાં દેવાસ કંપનીએ મોટો નફો ઘરભેગો કરી 2008માં જર્મન કંપનીને પોતાનો 17% હિસ્સો વહેંચ્યો. 2009માં દેવાસ-એન્ટ્રિકસ ડિલની કેટલીક વિગતો બહાર આવી. અને ઇસરોના પૂર્વ અધ્યક્ષ જી.માધવન નાયર પર અવકાશ સંબંધી ડિલ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. તે દરમ્યાન કેટલાંક વૈજ્ઞાનિકો પણ કમિશન મામલે વગોવાયા. જે તે સમયે સીબીઆઇ દ્વારા ઘણી તપાસ પણ થઇ. બાદમાં એન્ટ્રિકસ-દેવાસ ડિલ સંબંધે આઇપીસીની કલમ 120(બી) અને કલમ 420 સહિતની કલમો હેઠળ કેસ પણ દાખલ થયો.
દેશની નેશનલ કંપની લો-ટ્રિબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, બેંગ્લોર ખાતે આવેલી દેવાસ મલ્ટી મીડિયા કંપનીને લિકવીડેશનમાં લઇ જવામાં આવે અને તેને વાઇન્ડ અપ કરવામાં આવે.
2011ની સાલમાં ટુ-જી કૌભાંડ જાહેર થયું ત્યારે પણ દેવાસ મલ્ટીમીડિયા કંપની સમાચારોમાં ચમકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 2020ની 30મી ઓકટોબરે આઇસીસીએ એન્ટ્રિકસને એવો આદેશ કર્યો હતો કે, દેવાસ સાથેનો કોન્ટ્રાકટ પૂર્ણ કરવા પહેલાં એન્ટ્રિકસ દેવાસને 1.2 બિલિયન ડોલરનું વળતર ચુકવે. અત્રે આઇસીસી એટલે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ. આ આદેશ પર સુપ્રિમ કોર્ટે 2020ના નવેમ્બરમાં સ્ટે આપ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે એન્ટ્રિકસના સીએમડી રાકેશ શશી ભૂષણને દેવાસનું વાઇન્ડઅપ કરવા માટે પિટીશન દાખલ કરવા સતા આપી હતી.