જામનગર શહેરમાં લીમડાલાઇન વિસ્તાર સ્થિત જામનગર પાંજરાપોળની માલીકી હક્કની 3400 ફુટ જગ્યા શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લાલ પરિવારે ગૌસેવાના કાર્ય માટે આ લીઝ પરની જમીન જામનગર પાંજરાપોળને સ્વૈચ્છાએ પરત કરી ગૌસેવા માટે સ્તુત્ય અને અનુકરણીય કાર્ય કર્યું છે.
જામનગર શહેરમાં બે દાયકા જેટલા સમયથી ‘ભૂમિ’ સાંઘ્ય દૈનિક ચલાવતા શ્રીજી ન્યુઝ પબ્લીકેશન (ગુજરાત) પ્રા.લી.ના સંચાલક અને શહેરના અગ્રણી ઉદ્યોગપતિ અશોકભાઇ હરિદાસ લાલ પાસે મુળ જામનગર પાંજરાપોળની માલીકી અને જામનગર મહાનગરપાલિકા દ્વારા લીઝ પર અપાયેલી 3400 ફુટ જમીન કબજા ભોગવટા હેઠળ હતી.
પરંતુ લાલ પરિવારે ભૂમિ કાર્યાલય પોતાની માલીકીની જગ્યામાં સ્થળાંતરિત કરતાં આ 3400 ફુટ જગ્યા ખાલી થઇ હતી. બીજી તરફ જામનગર પાંજરાપોળને ગાયોની સવલત-સુવિધા માટે જગ્યાની જરૂર ઉભી થઇ હોવાથી લાલ પરિવારના વડિલ મંજુલાબેન લાલ, મોભી અશોકભાઇ લાલ તેમજ જીતુભાઇ લાલે આ ખાલી થયેલી જગ્યા પાંજરાપોળને સ્વેચ્છાએ સુપ્રત કરવા નિર્ણય કર્યો હતો.
શહેરના લીમડાલાઇન સ્થિત પાંજરાપોળના હોલમાં આ માટે યોજાયેલા કાર્યક્રમમાં લાલ પરિવારે આ જગ્યા ખાલી કબ્જે સ્વેચ્છાએ સુપ્રત કરી છે. આ કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કરતાં ‘ભૂમિ’ દૈનિકના તંત્રી અશોકભાઇ લાલે કહ્યું હતું કે…ગૌ સેવા જેવું કોઇ ઉમદા કાર્ય નથી, તેવા સંસ્કાર અમારા માતા-પિતાએ આપેલા છે. જેની પ્રેરણાથી જામનગર પાંજરાપોળને તેમની માલીકીની જમીન સુપ્રત કરીએ છીએ. તેઓએ યુવા પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે તેમજ બચતની ટેવ કેળવવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં લાલ પરિવારનું જામનગર પાંજરાપોળ વતી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મંત્રી વિજયભાઇ પાલાએ શાબ્દીક પ્રવચન કરવા સાથે આ જગ્યા અંગેની વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં લાલ પરિવારના મંજુલાબેન હરિદાલ (બાબુભાઇ) લાલ તેમજ ઉદ્યોગપતિ અશોકભાઇ લાલ, જીતુભાઇ લાલ તેમજ જામનગર પાંજરાપોળના ટ્રસ્ટીઓ મનસુખભાઇ પટેલ (ઉપપ્રમુખ), પરાગભાઇ પટેલ (ખજાનચી), ચંદુભાઇ બારદાનવાળા, રમેશભાઇ બારદાનવાળા, વિજયભાઇ પટેલ, ગિરીશભાઇ ગણાત્રા, પ્રકાશભાઇ તન્ના વગેરે સાથે ગૌ પ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર પાંજરાપોળ અને મહાપાલિકા વચ્ચે કાનૂની જંગ
જામનગર પાંજરાપોળ વર્ષ 1966માં નગરપાલિકાને લીમડાલાઇન સ્થિત 13974 ફુટ જગ્યા લીઝ પર આપી હતી. આ લીઝની મુદ્દત આશરે 10 વર્ષ જેટલા સમય પહેલા પૂર્ણ થઇ ગઇ હોવાથી આ 13974 ફુટ જગ્યા પરત મેળવવા માટે પાંજરાપોળ દ્વારા મહાનગરપાલિકા સામે હાઇકોર્ટમાં કાનૂની જંગ જામ્યો છે. જેનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. આ પરિસ્થિતિ વચ્ચે શહેરના પ્રતિષ્ઠિત લાલ પરિવારે પોતાના કબ્જા હેઠળની મોકાની અને કિંમતી 3400 ફુટ જગ્યા લીઝ પૂર્ણ થઇ થઇ હોવાથી મુળ માલીક જામનગર પાંજરાપોળને સુપ્રત કરીને આ મામલામાં નવતર પહેલ કરી છે.


