જામનગર શહેરના અંબર ચોકડી પાસે આવેલા મોબાઇલ ફોન સર્વિસ સેન્ટરમાં ઇલેકટ્રીક કામ કરતાં સમયે યુવાનને વીજશોક લાગતા બેશુદ્ધ થઇ જતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ અમદાવાદમાં સરખેજ ઉજાલા સર્કલ પાસે આવેલી કેશવ સોસાયટીમાં રહેતો હિતેન્દ્રભાઇ રણછોડભાઇ વસોયા (ઉ.વ.40) નામનો યુવાન જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે આવેલા વીવો કંપનીના સર્વિસ સેન્ટરમાં કામ કરતો હતો. દરમ્યાન ગુરૂવારે રાત્રિના સમયે સેન્ટરમાં ઇલેકટ્રીક કામ કરતો હતો. ત્યારે અચાનક વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ વિનોદ વસોયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. એન. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.