સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં મોટો કડાકો નોધાયો. સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં મોટો કડાકો નોધાયો હતો. ઉલ્લેખનીય છે કે એસએન્ડપી 500, 6 % ઘટ્યો હતો. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2231 પોઇન્ટ તૂટ્યો. એસએન્ડપી 500, ફેબ્રુઆરીના તેના રેકોર્ડથી લગભગ 16% ઘટી ગયો છે. જ્યારે નાસ્ડેક -948.58 પોઈન્ટ એટલે કે 5.73 % ઘટીને 15602.03 ઉપર બંધ થયો. એસએન્ડપી 500 અને નાસદેકમાં માર્ચ 2020 પછીનો પાંચ વર્ષમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં ઓક્ટોબર 2020 પછીનો છેલ્લા સાડા ચાર વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, કોવિડ-19 મહામારી પછી આ સૌથી મોટો ઘટાડો છે.બીજી તરફ યુરોપના બજારોમાં પણ ભારે ખાનાખરાબી સર્જાઇ છે. જર્મનીના માર્કેટમાં શુક્રવારે 1075 પોઇન્ટ એટલે કે 5.25 ટકા, ફ્રાન્સમાં 324 પોઇન્ટ એટલે કે 4.5 ટકા જયારે બ્રિટનમાં 419 પોઇન્ટ એટલે કે, 5.25 ટકાનો જબ્બર ઘટાડો નોંધાયો હતો. આ અગાઉ જાપાનનો નિકેઇ પણ 9પપ પોઇન્ટ ગગડી ગયો હતો. ભારે વેચવાલીને પગલે મોડી રાત સુધી ગિફટ સીટીમાં ટ્રેડ થતી ગિફટ નિફટીમાં વધુ 615 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. જેની અસર સોમવારે ભારતીય બજારમાં જોવા મળશે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મોંઘવારી અને મંદી વધવાનું જોખમ છે. તેના લીધે વૃદ્ધિ ધીમી થઈ શકે છે. વેપાર યુદ્ધને કારણે માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના ભય હેઠળ છે. ટેરિફથી માલના ભાવ વધશે, જેનાથી ફુગાવો વધશે. આનાથી માંગ ઘટશે, જે મંદીનો માર્ગ મોકળો કરશે. આ મામલે ટ્રૂથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે મોટા બિઝનેસ ટેરિફ વિશે ચિંતિત નથી કેમ કે તે જાણે છે કે તે જળવાઈ રહેશે પણ તેમનું ધ્યાન બ્યુટીફૂલ ડીલ પર છે. જે અમારા અર્થતંત્રને પ્રોત્સાહિત કરશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેની પ્રક્રિયા હજી ચાલી રહી છે.ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર 34% વધારાના ટેરિફ લાદવાની જાહેરાતથી અમેરિકન શેરબજારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આનાથી વેપાર યુદ્ધ શરૂ થવાનું જોખમ વધી ગયું છે અને રોકાણકારો યુએસ બજારમાં વધુ ઘટાડાના ડરથી ભારે વેચાણ કરી રહ્યા છે. ટેક કંપનીઓના શેર સૌથી વધુ ઘટયા છે.

ભારતના કુલ માર્કેટ કેપથી વધુનું અમેરિકામાં માત્ર બે દિવસમાં ધોવાણ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટેરીફ વોર તથા ચીન સહિતના દેશોએ પણ વળતો આકરો જવાબ આપવાનું શરૂ કરતા સર્જાયેલી વ્યાપારીક ડિપ્લોમેટીક અફડાતફડીમાં જે રીતે અમેરિકી શેરબજારમાં જબરા કડાકા ભડાકા થઈ રહ્યા છે.છેલ્લા બે દિવસના અમેરિકી શેરબજારના કડાકાએ જ 9 લાખ કરોડથી સંપતિ ધોઈ નાખી છે. એટલે કે, બે દિવસમાં અમેરિકી બજારમાં 765 લાખ કરોડનું તોતિંગ ધોવાણ થયું છે. જે ભારતીય શેરબજારના કુલ માર્કેટ કેપ કરતાં પણ વધારે છે. આમ ભારતીય કુલ માર્કેટ કેપ કરતાં વધુનું ધોવાણ અમેરિકામાં માત્ર બે દિવસમાં થયું છે. અત્રે એ ઉલ્લેખિનય છે કે, ભારતના નેશનલ સ્ટોક એકસચેન્જનું કુલ માર્કેટ કેપ 438 લાખ કરોડ છે.
અમેરિકી બજારમાં હાહાકાર મચતાં જ ટ્રમ્પ ઢીલા પડયાં
ટ્રમ્પની આ નીતિ જો આગળ વધે તો અમેરિકા સહિત દુનિયામાં મંદીની પણ ચેતવણી મળવા લાગતા અમેરિકામાં ટ્રમ્પ નીતિ સામે વિરોધ વધતા હવે આગામી તા.10ના રોજ ટ્રમ્પ ટેરીફ લાગુ થાય તે પુર્વે જ હવે પ્રમુખ ટ્રમ્પ ઢીલા પડી ગયા હોવાના સંકેત છે.સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પના સૂર બદલાયા છે તેમાં હવે ટેરીફ મુદે હાલ ચીનને કોઈ મચક આપવાના મુડમાં નથી પણ ભારત યુરોપીયન દેશો અને વિયેતનામ સાથે ચર્ચા કરીને ટેરીફ મુદો હલ કરવા માંગે છે.
આમ પણ ભારત અને અમેરિકાની દ્વિપક્ષી વ્યાપાર સમજુતીની વાટાઘાટો તો ચાલુ જ છે અને તેમાં મોદી સરકાર અમેરિકાના ટેરીફનો તાપ ઓછામાં ઓછો રહે તે સુનિશ્ર્ચિત કરવા જઈ રહી છે. ચીન અને અમેરિકા વચ્ચે ટેરીફ સિવાયના મુદાઓ પણ છે અને તેથી તે મોરચો હાલ બહું કોઈ સમજુતી શકય નથી.ટ્રમ્પ શાસને એ સંદેશો મોકલાવ્યો છે કે જેઓને આ ટેરીફથી ચિંતા છે. તેઓ વાટાઘાટના ટેબલ પર આવે તેઓ ભડકવાના બદલે ફોન પર વાત શરૂ કરે ટ્રમ્પે ખુદે આ સંકેત આપતા તેમના સોશ્યલ મીડીયા હેન્ડલ પર વિયેતનામનો ઉલ્લેખ કરતા લખ્યુ કે વિયેતનામના કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચીવ (દેશના વડા)એ એક પ્રસ્તાવ મુકયો છે અને તેમાં જો પરસ્પર સમજુતી થઈ જાય તો ટેરીફ શુન્ય સુધી જઈ શકે છે.
વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ ભારત-વિયેતનામ અને ઈઝરાયેલ સાથે સમજુતી કરીને ટ્રમ્પ અન્ય દેશોને સંદેશ આપી શકે છે અને હાલ જે રીતે વૈશ્વિક મંદીની ચિંતા છે તે અમેરિકાને સૌથી વધુ અસર કરે તો ટ્રમ્પ માટે પછી બચાવ કરવો મુશ્કેલ બની જશે.