જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબશ શરૂ કરવામાં આવી છે દુકાનધારકો તથા રેંકડીધારકો દ્વારા કરાયેલી ગેરકાયદેસર દબાણ હટાવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે શહેરના દિ.પ્લોટ જૂની પોલીસ ચોકી નજીક દબાણ હટાવ્યા બાદ આજે સવારથી જ શહેરના ટાઉહનોલ, સુપરમાર્કેટ, ત્રણ દરવાજા, બેડી ગેઈટ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહી હતી અને ખાણીપીણીની રેંકડીઓ, તથા ખાણીપીણીના ધંધાર્થીઓ – દુકાનધારકોએ કરેલ દબાણો દૂર કરાયા હતાં.

જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓ તથા રેંકડી ધારકો દ્વારા દુકાનો અને રેંકડીઓ બહાર ટેબલ-ખુરશીઓ સહિતના સામાનો રાખી દબાણ કરવામાં આવે છે જેના પરિણામે ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લાં થોડા દિવસોથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે બપોરબાદ જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ જુની પોલીસ ચોકી નજીકથી એસ્ટેટ શાખા દ્વારા ખાણીપીણીના દબાણધારકો સહિતના ધંધાર્થીઓએ કરેલ દબાણો દૂર કર્યા હતાં અને રેંકડીઓ-કેબિનો તથા અન્ય માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત દરબારગઢ, બર્ધનચોક વિસ્તારમાં પણ રેંકડી-પથારાવાળાના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
આજે સવારથી પણ આ દબાણહટાવ ઝુંબેશ યથાવત રહી હતી. આજે સવારથી જ એસ્ટેટ શાખા દ્વારા શહેરના ટાઉનહોલ સર્કલ, જૂની અનુપમ ટોકીઝ સામે, સુપરમાર્કેટ, બેડી ગેઈટ, ત્રણ દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ચા-પાનની દુકાનોના દબાણો, ખાણીપીણીની રેંકડીઓ, કેબિનો, ટાઉનહોલ નજીક મોબાઇલની દુકાનોના ધંધાર્થીઓએ કરેલ હોર્ડીંગ અને અન્ય દબાણોનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.