સુજલામ-સુફલામ યોજના હેઠળ જામનગર શહેરની ભાગોળેથી પસાર થતી રંગમતિ નદીને ઉંડી ઉતારવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જામ્યુકોની સ્થાયી સમિતિએ સરકારની સુજલામ-સુફલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કાંપથી પૂરાઇ ગયેલી અને છીછરી બની ગયેલી રંગમતિ નદીને ઉંડી ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ચોમાસા દરમિયાન નદીમાં પૂરનું વધારે પાણી સરળતાથી વહન થઈ શકે. દર ચોમાસે છીછરી બની ગયેલ નદીના કારણે પૂરના પાણી શહેરના કાંઠાળ વિસ્તારોમાં ફરી વળે છે જેને કારણે આ વિસ્તારમાં રહેતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે નદીને ઉંડી અને પહોળી બનાવવી આવશ્યક હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે સ્થાયી સમિતિમાં નદીમાં થયેલા સેંકડોની સંખ્યામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે કે કેમ ? તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દબાણો દૂર કર્યા વગર રંગમતિ નદીને કઇ રીતે ઉંડી અને પહોળી બનાવી શકાશે ? તે એક પ્રશ્ર્ન છે.

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં નવી પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 નો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત મહાપાલિકા વિસ્તારમાં નવી સુધારેલી યોજના અંતર્ગત વધુ સુવિધાઓ સંપન્ન આવાસનું નિર્માણ કરવા તેમજ તેની અમલવારી કરવા મંજૂર કરવામાં આવ્યું હતું. આ યોજનાને ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં કુલ 6.82 કરોડના જુદા જુદા વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી હતી. જેમાં વોટર પાઈપલાઈન નેટવર્ક, જુદી જુદી સોસાયટીઓમાં લોકભાગીદારીથી સીસી રોડ તથા પેવર બ્લોકનું કામ કરવા આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, આસી. કમિશનર ટેકસ જીગ્નેશ નિર્મલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.