જામનગરના ગુલાબનગરમાં રહેતી મહિલાએ વ્યાજે લીધેલા નાણાં 30 ટકા વ્યાજ સાથે 66 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરો બંદુકની અણીએ ધમકી આપતા હોવાની ચાર શખ્સો વિરૂઘ્ધ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના ગુલાબનગર નજીક સરદાર નગર વિસ્તારમાં રહેતા રસીદાબેન ગુલઝારભાઇ ખફીને પોતાની દિકરી બિમાર હોય જે માટે નાણાંની જરૂરીયાત હોવાથી અકબર યુસુફ ખફી પાસેથી રૂા.30 હજાર 30 ટકાના વ્યાજે લીધા હતાં. આ રકમના ફરિયાદીએ માસીક રૂા.3 હજાર, 4 હજાર તેમજ પ હજાર કુલ વ્યાજ સહિત રૂા.66 હજાર ચૂકવી દીધા હતાં. છતાં અકબર ખફી, સલીમ યુસુફ ખફી, સાજન યુસુફ ખફી, યુસુફ ઓસમાણ ખફી નામના ચાર શખ્સો મહિલાના ઘરે જઇ અપશબ્દો બોલી મહિલાને ધમકી આપી હતી. તેમજ બંદુક બતાવી જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે રસીદાબેન દ્વારા સીટી બી ડિવિઝનમાં ચાર શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુન્હો નોંધી પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.