Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરવ્હોરાના હજીરા પાસે નદી પર ચેકડેમ અને રિવરબ્રિજ બનાવશે જામ્યુકો

વ્હોરાના હજીરા પાસે નદી પર ચેકડેમ અને રિવરબ્રિજ બનાવશે જામ્યુકો

સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 141 કરોડના વિકાસ ખર્ચને બહાલી : શહેરમાં બ્યુટિફિકેશન માટે જામ્યુકોએ પોણા બે કરોડ ખર્ચી નાખ્યા : આશાપુરા હોટલથી બાયપાસને જોડતા ડી પી રોડની અમલવારીને લીલીઝંડી

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની શહેરમાં જુદા – જુદા વિકાસ કામો માટે 141 કરોડના ખર્ચને બહાલી આપી છે. શહેરના જુદા જુદા વોર્ડમાં બ્યુટિફિકેશન માટે જામ્યુકોએ રૂા.પોણા બે કરોડ ખર્ચી નાખ્યા છે. જ્યારે રંગમતિ નદીમાં વ્હોરાના હજીરા પાસે રિવર બ્રિજ, ચેકડેમ તથા રીટેઈનીંગ વોલ બનાવવા માટે રૂા.31 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે.

- Advertisement -

ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને મંગળવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જુદા જુદા વિકાસ કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂા.58.04 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુભાષબ્રિજ પર હાલની ડીવાઇડરની રેલીંગને તોડી નાખી તેની જગ્યાએ નવી ડિઝાઈન મુજબની રેલીંગ બનાવવામાં આવશે. આ માટે રૂા.23.64 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની જુની મેયર ઓફિસ તેમજ જનરલ બોર્ડની ઈમારતને સંપૂર્ણપણે તોડી પાડવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેના મટીરીયલથી જામ્યુકોને રૂા.2.10 લાખની આવક થશે. આ ઉપરાંત શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવેલા બ્યુટિફિકેશનના કામ માટે કુલ રૂા.1.65 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.

સ્થાયી સમિતિની બેઠકમાં શહેરને નવી ફુડ લેબોરેટરી બનાવવા માટે ફર્નિચર, કેમિકલ, બૈઝિક ઈન્સ્ટુ્રમેન્ટ ખરીદવા માટે 1.80 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. લાલપુર બાયપાસ જંકશન પર નિર્માણ પામી રહેલા ફલાય ઓવર બ્રિજના કામ માટે 40.19 કરોડનું ખર્ચ પણ મંજૂર પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરની રંગમતિ નદી પર વ્હોરાના હજીરા પાસે રિવરબ્રીજ, ચેકડેમ તથા રીટેઈનીંગ વોલ બનાવવામાં આવશે. આ માટે રૂા.31 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં આંતરમાળખાકીય સુવિધાના કામો તેમજ ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઈનના કામોની ખર્ચની દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવી હતી. શહેરમાં આશાપુરા હોટલ જુના જકાતનાકાથી બાયપાસને જોડતા 30 મીટર પહોળા ડીપી રોડની અમલવારીને મંજૂરી આપી દેવામાં આવી છે. નિયત સમય મર્યાદામાં આ માટે કોઇ વાંધાસૂચનો નહીં આવતા રસ્તો પહોળો કરવાનો માર્ગ મોકળો થયો છે.
આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી એન મોદી, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર જિગ્નેશ નિર્મળ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular