આખા દેશના હવામાન નક્શામાંથી જામનગર મહાનગર ફરી એકવખત ગાયબ થયું છે. અગાઉ પણ હવામાનના આંકડાઓની બાબતમાં જામનગર શહેર અનેક વખત નક્શામાંથી બાકાત થયું હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા દાયકાઓથી આ અંગે કોઇ નોંધ લેવામાં આવી નથી કે કોઇ ગંભીરતા દર્શાવવામાં આવી નથી. જામનગર દેશની સાથે હવામાન નક્શામાં રહે તે માટેના કોઇ પ્રયાસો પણ કરવામાં આવ્યા નથી.
હવામાનની જાણકારી કોઇપણ શહેર માટે ખૂબ જ અગત્યની હોય છે. તેમાંય હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં હવામાનનો ડેટા ખૂબ જ અગત્યનો થઇ પડે છે. આ ડેટાના આધારે તેમજ કરન્ટ હવામાનને ઘ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે અને લોકોને તે અંગે માહિતગાર કરી જરૂરી એલર્ટ પણ આપવામાં આવે છે. જામનગર શહેરમાં ઘણાં વર્ષોથી અલબત્ત જ્યારથી જામનગર મહાનગરની રચના થઇ ત્યારથી એટલે કે 1981 થી સત્તાવાર રીતે શહેરના હવામાનની જાણકારીની કોઇ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી. જામનગર શહેરના રોજબરોજના હવામાન એટલે કે તાપમાન અંગે અહીં દિગ્જામ મિલ સામે આવેલા બાજરા સંશોધન કેન્દ્રના તાપમાનમાપક યંત્ર પર આધાર રાખવામાં આવતો હતો. તંત્ર દ્વારા પણ અહીંથી જ તાપમાનના આંકડાઓ મેળવી અને મિડિયા તેમજ લોકો સુધી પહોંચાડવામાં આવતાં હતાં. પરંતુ આ બાજરા સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ આવતું હોય યુનિવર્સિટીએ છેલ્લાં કેટલાંક દિવસથી આ સંશોધન કેન્દ્ર બંધ કર્યું છે. પરિણામે અહીંથી મળતાં તાપમાનના આંકડા છેલ્લા ચાર દિવસથી મળવા બંધ થયા છે. પરિણામે જામનગરમાં ઉનાળો ચરમસીમાએ છે ત્યારે તાપમાન કેટલું નોંધાયું? તે અંગેની કોઇ જાણકારી કોઇ પાસે ઉપલબ્ધ નથી. અત્રે એ ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર કયારેય સત્તાવાર રીતે દેશના હવામાન નક્શામાં આવ્યું નથી. અગાઉ પણ મિડિયા અને તેના પત્રકારો જામનગરસ્થિત વાયુસેના મથકમાંથી હવામાનના આંકડા પ્રાપ્ત કરતાં હતાં અને લોકો સુધી હવામાનની વિગતો પહોંચાડતા હતાં. પરંતુ આ વ્યવસ્થા પણ અનઓફિસિયલી હતી. વાયુસેના દ્વારા વાયુસેના મથકમાં ઉભી કરવામાં આવેલી ઓબ્ઝર્વેટરી તેમના એક્સક્લુઝિવ ડિફેન્સ પર્પઝ માટે જ છે. આ સુવિધા જાહેર જનતા માટે નથી. તેમ છતાં પત્રકારો અને ડિફેન્સ પર્સોનલ વચ્ચેના ટયુનિંગને કારણે ત્યાંથી હવામાનની વિગતો આપવામાં આવતી હતી. પરંતુ કેટલીક સુરક્ષા બાબતોને ધ્યાનમાં રાખીને છેલ્લાં કેટલાંક વર્ષોથી વાયુસેના મથક દ્વારા આ સુવિધા આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જામનગર હવામાન નક્શામાંથી બહાર નિકળી ગયું. આ અંગેની અનેક રજૂઆતો બાદ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા તાપમાનની વિગતો આપવાનું શરૂ કરાયું હતું. જે અત્યાર સુધી ચાલી રહ્યું હતું. પરંતુ હવે બાજરા સંશોધન કેન્દ્ર પણ બંધ કરવામાં
આવતાં આ વ્યવસ્થા પણ બંધ થઇ છે. પરિણામે જામનગર મહાનગર ફરી એકવાર હવામાન નક્શામાંથી બહાર થયું છે.
સામાન્ય રીતે મહાનગરોમાં હવામાન અંગેની માહિતી માટે હવામાન વિભાગ અથવા તો રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વેધર ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવતી હોય છે અને લગભગ મોટા શહેરોમાં આ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ જામનગર શહેર 46 વર્ષથી મહાનગરનો દરજ્જો ધરાવતું હોવા છતાં અહીં સત્તાવાર વેધર ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવી નથી. અગાઉ આ અંગે અનેક વખત ચર્ચાઓ થઇ છે. પરંતુ તે અદ્ધરતાલ જ રહી છે. જામનગરમાં પ્રદીપ શર્મા જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જામ્યુકોની હાલની બિલ્ડીંગમાં ટોપ ફ્લોર પર વેધર ઓબ્ઝર્વેટરી બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રસ્તાવ પર કોઇ જ કાર્યવાહી થઇ નથી. છેલ્લે… ત્રણેક મહિના અગાઉ પણ જામ્યુકો દ્વારા વેધર ઓબ્ઝર્વેટરી બનાવવાનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આ ઓબ્ઝર્વેટરીનું કામ થયું કે નહીં? તે અંગેની કોઇ જ જાણકારી ઉપલબ્ધ નથી.
આમ તો દરેક શહેર અને વિસ્તારનું હવામાન અને તાપમાન નેટ પર કેટલીક વેધર વેબસાઇટ દ્વારા જાણી શકાય છે અને દર્શાવવામાં પણ આવે છે. પરંતુ આ વેબસાઇટ પર દર્શાવવામાં આવતાં આંકડાઓ એક્ઝેટ નથી હોતાં. હા… એ તાપમાનની આજુબાજુના હોય છે. જ્યારે ખરૂ તાપમાન તો સ્થાનિક કક્ષાએ જ માપી શકાય. હવામાનના આંકડાઓ ભલે સાવ સામાન્ય બાબત લાગતી હોય પરંતુ જનજીવન માટે આ આંકડાઓ ખુબ જ મહત્ત્વના હોય છે. હવામાનના ડેટાના આધારે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવાનું થતું હોય છે. આ ડેટાના આધારે જ લોકોને સાવચેત કરવામાં આવતાં હોય છે. તેમજ લાંબા ગાળાના ડેટાના આધારે લાંબા ગાળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે મહાનગરમાં વેધર ઓબ્ઝર્વેટરી હોવી લગભગ અનિવાર્ય બની ગઇ છે. પરંતુ જામનગર શહેરમાં આ બાબતે કોઇને રસ હોય તેવું જણાતું જ નથી. ત્યારે શહેરના બન્ને ધારાસભ્યોએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ જરૂર પડયે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને પણ જામનગરમાં એક અદ્યતન વેધર ઓબ્ઝર્વેટરીનું તાત્કાલિક નિર્માણ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. હાલ જામનગર મહાનગર પાસે તાપમાન તો ઠીક, શહેરના વરસાદનો ડેટા પણ ઉપલબ્ધ નથી. હા… વરસાદની નોંધણી જરૂર કરવામાં આવે છે. પરંતુ તે આંકડા ડિઝાસ્ટર મેનેજમેન્ટને પાસ કરી દેવામાં આવે છે. જેનો ડેટા મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવતો નથી. જો મહાપાલિકાને છેલ્લા 25 વર્ષના કે છેલ્લા 50 વર્ષના વરસાદના ડેટાની જરૂર પડે તો તેમની પાસે કોઇ આંકડા ઉપલબ્ધ નથી. તેમણે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર આધાર રાખવો પડે.


