જામનગરના ઉંડ-1 ડેમના તા.11 ના સવારે સાત વાગ્યે દરવાજા ખોલવામાં આવ્યા છે અને હેઠવાસના ચેકડેમો ભરવા માટે આ ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમની હેઠવાસમાં આવતા તમાચણ, રોઝીયા, રવાણી ખીજડિયા, ખંભાલિડા, ધ્રાંગડા, સણોસરા, વિરાણી ખીજડિયા, જાળિયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માધાપર, વાંકિયા અને લખતર ગામના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને નદીના પટમાં અવર-જવર નહીં કરવા, માલ મિલકત તથા ઢોર ઢાંખરને નદીના પટમાં નહીં જવા દેવા સુચના આપવામાં આવી છે.

જામનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ જિલ્લા પોલીસવડાને પત્ર પાઠવી પાણી છોડતા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની પણ માંગણી કરી છે. ઉંડ-1 સિંચાઈ યોજનાના સાત ગામ ડુબમાં ગયેલ છે અને તેમાંથી 17 નવાગામો બન્યા હતાં. અસરગ્રસ્ત બનેલા ગામની રજૂઆત હતી કે તેઓનો પાણી ઉપર પ્રથમ હકક થાય છે તેવી માંગણી, રજૂઆતો ભૂતકાળમાં થવા પામી હતી. ઉપરાંત નદીમાં પાણી છોડવા સામે વિરોધ પણ થયો હતો. પથ્થરમારો પણ કરાયો હતો. તે અંગે જે તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી. આથી પાણી છોડતા સમયે અસરગ્રસ્ત ગામો દ્વારા ઉગ્ર વિરોધ થવાની શકયતા છે જેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગણી કરવામાં આવી છે.