Tuesday, March 19, 2024
Homeસ્પોર્ટ્સCWG : ભારતીય પહેલવાનોએ જીત્યા 3 ગોલ્ડ

CWG : ભારતીય પહેલવાનોએ જીત્યા 3 ગોલ્ડ

આઠમા દિવસે ભારતે જીત્યા છ મેડલ : કુલ 26 મેડલ સાથે ભારત પાંચમા સ્થાને

- Advertisement -

ભારત માટે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સનો આઠમો દિવસ મેડલનો વરસાદ લઈને આવ્યો હતો. આઠમા દિવસે કુશ્તીથી શરૂઆત થઈ અને ભારતના અનેક દિગ્ગજ ખેલાડીઓ તેમાં દાવપેચ લગાવવા માટે મેટ પર ઉતર્યા હતા. ભારતીય રમતપ્રેમીઓને આઠમા દિવસે મેડલ આવવાની આશા તો હતી જ પરંતુ આ રીતે વરસાદ થશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ભારતે આઠમા દિવસે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે ભારતના કુલ મેડલની સંખ્યા 26એ પહોંચી ગઈ છે અને મેડલટેલીમાં ભારત પાંચમા ક્રમે પહોંચી ગયું છે.જો કે આઠમા દિવસે ભારત માટે અમુક નિરાશાજનક પરિણામ પણ આવ્યા હતા. 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન રહેલી ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ હતી જેના કારણે તેની મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. બીજી બાજુ ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં હારી જતાં હવે તે બ્રોન્ઝ મેડલ માટે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારતના દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફ્રી-સ્ટાઈલ 65 કિ.ગ્રા. કેટેગરીમાં કેનેડાના લચલાન મૈકનિલને 9-2થી હરાવ્યો હતો. ભારતને બર્મિંઘમમાં કુશ્તીની રમતમાં આ પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલા પહેલવાન સાક્ષી મલિકે ઈતિહાસ રચતાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષીએ કેનેડાની ખેલાડીને હરાવી હતી. દીપક પુનિયાએ કોમનવેલ્થમાં ભારતને અત્યાર સુધીનો સૌથી યાદગાર ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ ઈનામને હરાવ્યો છે. પહેલવાન અંશુ મલિકે ફ્રી-સ્ટાઈલ કુશ્તીમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે કેમ કે ફાઈનલમાં નાઈઝીરીયાની ખેલાડી સામે તે હારી ગઈ છે.

- Advertisement -

2018 કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા દિવ્યા કાકરન પણ બર્મિંઘમથી ખાલી હાથે પરત નહીં ફરે. તેણે માત્ર 30 સેક્ધડમાં હરિફ ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પહેલવાન મોહિત ગ્રેવાલે ફ્રી-સ્ટાઈલ 125 કિ.ગ્રા. કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. તેણે જમૈકાના એરોન જોન્સનને 6-0થી હરાવ્યો છે.બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા હોકીના બીજા સેમિફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને શૂટઆઉટમાં 3-0થી હરાવ્યું છે. ફુલ ટાઈમ બાદ સ્કોર 1-1થી બરાબર હતો. આ રીતે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચ્યો હતો. શૂટઆઉટમાં બન્ને ટીમોને પાંચ-પાંચ પ્રયાસો અપાયા હતા જેમાં ઑસ્ટ્રેલિયાએ ત્રણ ગોલ કર્યા હતા જ્યારે ભારતીય ટીમની એક પણ ખેલાડી ગોલ કરી શકી નહોતી. હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે કાલે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ફાઈનલમાં પહોંચી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular