ઉત્તર પ્રદેશ સરકારે દીકરીઓના અધિકાર માટે મોટો નિર્ણય લીધો છે. હવે પરિણીત દીકરીઓ પણ મૃતકના આશ્રિત કવોટામાંથી સરકારી નોકરી મેળવી શકશે. સીએમ યોગી આદિત્યનાથે બુધવારે કેબિનેટ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી, મૃતક આશ્રિત કવોટા પર દયાના ધોરણે પુત્રો, પરિણીત પુત્રો અને અપરિણીત પુત્રીઓને નોકરી આપવાની વ્યવસ્થા હતી.
પરિણીત પુત્રીઓ માટે વ્યવસ્થાના અભાવને કારણે, તેઓ મૃતક આશ્રિત કવોટા પર રહેમિયતના ધોરણે નોકરી મેળવવા સક્ષમ ન હતા. અમુક કિસ્સામાં એક માત્ર પરિણીત પુત્રી હોવાના કારણે પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલો સીએમના ધ્યાને આવ્યા બાદ જૂની પ્રણાલીમાં સુધારો કરવા પર સહમતિ સધાઈ હતી કે પરિણીત દીકરીઓને પણ પરિવારની વ્યાખ્યામાં સામેલ કરવી જોઈએ. તેના આધારે, કર્મચારી વિભાગે કેબિનેટની મંજૂરી માટે ઉત્તર પ્રદેશની સેવામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના આશ્રિતો માટે ભરતી નિયમો 2021 મોકલ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે કેબિનેટ દ્વારા સકર્યુલેશન ઠરાવ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે રહેમ રાહે પરિણીત દીકરીઓને રાજયના સરકારી વિભાગોમાં નોકરી મેળવવાનો માર્ગ મોકળો થયો છે.