Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મેયરે લહેરાવ્યો તિરંગો

જામનગર શહેરમાં મેયરે લહેરાવ્યો તિરંગો

- Advertisement -

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી જામનગર મહાપાલિકાના પટાંગણમાં આજે ખૂબ જ સાદગીપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પ્રથમ નાગરિક અને મેયર બિનાબેન કોઠારીએ તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી. આ તકે અન્ય પદાધિકારીઓ તેમજ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મેયરે સર્વે શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

ગણતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે સંબોધન કરતાં મેયરે જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવેલ આપણું બંધારણ દેશવાસીઓ માટે પવિત્ર ગ્રંથ સમાન છે. આજે બંધારણના ઘડવૈયાઓને વંદન કરવાનો અવસર છે. આ તકે તેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ભગતસિંહ, લોકમાન્ય તિલક, મૌલાના આઝાદ, બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદજી વગેરેના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગણતંત્રના 73 વર્ષમાં દેશ અને રાજ્યની સાથે જામનગર શહેર પણ વિકાસની હરણફાળ ભરી છે. જામનગર શહેર આજે ફલાયઓવર જેવા પ્રોજેકટ સાથે આધુનિકતા તરફ પ્રયાણ કરી રહી છે. ઉપરાંત આપણી પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરસમા લાખોટા કોઠાનું રેસ્ટોરેશન કરવામાં આવ્યું છે. જ્યારે ભૂજીયા કોઠાના નવિનકરણનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત શહેરીજનોની સુખાકારી માટે કરોડોના પ્રોજેકટ અને વિકાસકામો જામનગર શહેરમાં હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જામ્યુકોના વહીવટને આધુનિક બનાવી સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવામાં આવી છે. જ્યારે દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવા માટેનું કાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. આ માટે વોટર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કને સઘન બનાવવામાં આવી રહ્યું છે. આ તકે તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ પ્રત્યે શહેરના વિકાસમાં યોગદાન અને સહકાર આપવા બદલ આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. કોરોનાકાળમાં આવેલા આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમણે શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને શહેરના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

- Advertisement -

મેયર તેમજ અન્ય પદાધિકારીઓએ જામ્યુકો પરિસરમાં ઉજવણીની યાદગીરી રૂપે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, સત્તાપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, કમિશનર વિજયકુમાર ખરાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular