Saturday, October 12, 2024
Homeરાજ્યકલ્યાણપુરના રેંટા કાલાવડ ગામે પાણીના વહેણ પરનું દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું

કલ્યાણપુરના રેંટા કાલાવડ ગામે પાણીના વહેણ પરનું દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રેંટા કાલાવડ ગામે ખેતરમાંથી પસાર થતાં નદીના કુદરતી પાણીના વહેણને કેટલાક આસામીઓ દ્વારા અટકાવવામાં આવ્યા અંગેની ફરિયાદો બાદ અહીંના પ્રાંત અધિકારી તથા સ્ટાફે ગઈકાલે ગુરૂવારે સવારથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. જે કાર્યવાહી મોડી સાંજથી સુધી ચાલી હતી.

આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રેંટા કાલાવડ ગામે અરજણભાઈ કારાવદરા નામના એક આસામની દ્વારા તેમના ખેતર નજીક આવેલી ખાનગી જગ્યા પાસેથી પસાર થતું કુદરતી પાણીનું વહેણ તેમના દ્વારા આશરે છ એક માસ પૂર્વે માટીની ભરતી કરી અને દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆતો થઇ હતી.

આ સંદર્ભે અહીંના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે સંબંધિત આસામીઓને નોટિસો આપવામાં આવી હતી. આશરે અઢીસો મીટર જેટલી જગ્યા પર કરવામાં આવેલું આ કથિત દબાણ ગઈકાલે સવારે અહીંના પ્રાંત અધિકારી સંજય કેશવાલાએ દૂર કરવાનો પ્રારંભ કર્યો હતો.

જેમાં કલ્યાણપુરના મામલતદાર કિશોરભાઈ અઘેરા, પી.એસ.આઇ. નિકુંજ જોષી તેમજ રેવન્યુ અને પોલીસ સ્ટાફના ધાડા આ સ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા. કુદરતી પાણીના વહેણ ઉપર માનવીય અડચણ દૂર કરવાની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી. જેમાં અધિકારીઓ તથા પોલીસ કાફલો ખડે પગે રહ્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ પ્રકરણમાં અગાઉ અહીંના રાજકીય આગેવાનના અંગત મનાતા ટેકેદાર પર ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો થયા હતા અને આ મુદ્દે અરજદારના પરિવારના એક મહિલાએ વિષપાન કરી અને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણ તથા દબાણ હટાવ ઝુંબેશે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular