જામનગરમાં ન્યુ સ્કૂલ ચોકડી પાસેના વિસ્તારમાં મિત્ર સાથે ખરીદી કરવા જતા એક વિદ્યાર્થીને ત્રણ શખ્સોએ આંતરી છરીની અણીએ ધમકાવી રૂા.2000 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી અને વિદ્યાર્થીના પિતાને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નં.2 માં રહેતી સીમાબેન વિજય વરાણીયા નામની મહિલાનો તરૂણ પુત્ર ગત તા.24 ના સાંજના સમયે સ્કૂલનો ડ્રેસ અને પુસ્તકોની ખરીદી કરવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન નઝીર ઉર્ફે નાદલો નૂરમામદ ઘુઘા તથા નિતીન દિનેશ સિંગરખીયા નામના બે શખ્સોએ તરૂણને ન્યૂ સ્કૂલ ચોકડી પાસે આંતરીને અપશબ્દો બોલી અમે ઈકા કાસમ ખફીના માણસો છીએ તેમ કહી તરૂણને છરીની અણીએ ધમકાવી તેની પાસે રહેલી રૂા.500 ના દરની રૂા.2000 ની ચાર નોટોની લૂંટ ચલાવી હતી તેમજ તારા બાપને સામે ન આવે તેમ કહેજે નહીં તો ઉપર પહોંચાડી દેશું તેવી ધમકી ઈકા કાસમે આપી છે. લૂંટના બનાવ બાદ ભોગ બનનાર વિદ્યાર્થિની માતા સીમાબેન વિજયભાઈ વરાણિયાએ પોલીસ સ્ટેશનમાં પૂર્વ કોર્પોરેટર મરિમયમબેન સુમરાના પુત્ર ઈકા કાસમ ખફી નામના શખ્સના કહેવાથી નઝીર ઉર્ફે નાદલો નુરમામદ ધુધા, નીતિન દિનેશ સીંગરખીયા નામના બે શખ્સોએ રોકડની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએઅસાઈ આઈ. આઈ. નોયડા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.