જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ગેરકાયદેસર 45 જેટલી દુકાનો તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકાના કમિશનરના નેજા હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ કામગીરી શરુ કરવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીક બાગ-બગીચા માટે રિઝર્વ રખાયેલી જમીન ઉપર ગેરકાયદેસર 45 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી. આ ગેરકાયદેસર દુકાનો તોડી પાડવા માટે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ એસ્ટટ અધિકારી નીતિન દિક્ષીત અને સુનિલ ભાનુશાળી, અનવર ગજ્જણ સહિતના સ્ટાફ દ્વારા આજે સવારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની જમીન ઉપર ખડકાયેલી દુકાનો તોડી પાડવા માટે જેસીબી દ્વારા પાડતોડ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
છેલ્લા થોડા સમયથી મહાનગરપાલિકાની જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગરના ડ્રિમ પ્રોજેકટ એવા રિવરફ્રન્ટની જગ્યાઓ ઉપર પણ ખડકાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.