દેશમાં આજથી શરૂ થતાં સંસદના શિયાળુ સત્રમાં સરકાર નવું વીજળી બિલ લાવવાની તૈયારી કરી છે. આ બિલથી વીજળી કંપનીઓને ખર્ચના આધારે ગ્રાહકો પાસેથી બિલ વસૂલવાની છૂટ મળી શકે છે. તેની સામે સરકાર રાંધણ ગેસની જેમ સ્લેબના આધારે ગ્રાહકોના ખાતામાં સીધી સબસિડી ટ્રાન્સફર કરશે. આ બીલથી દેશમાં વીજળી પ્રતિ યુનિટ 50 પૈસા મોંઘી થવાની શક્યતા છે.
કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં નવું વીજળી બીલ રજૂ કરશે. આ બિલ મારફત સરકાર વીજળી ચોરી પર અંકુશ લાવવા આકરા પગલાં લેશે. આ માટે વીજળીના મીટર લગાવવા ફરજિયાત કરાશે. હાલ મહારાષ્ટ્રમાં 15 લાખ કૃષિ ગ્રાહકો એવા છે, જેમને મીટર વિના જ વીજળી અપાય છે અને તેમને સરેરાશ બિલ અપાય છે. નવો કાયદો અમલમાં આવતા વીજળી પ્રતિ યુનિટ 50 પૈસા મોંઘી થવાની શક્યતા છે.
નવા બિલ મારફત સરકાર ખાડામાં ગયેલી વીજળી કંપનીઓને બહાર લાવવા માગે છે. હાલ વીજવિતરણ કંપનીઓનું નુકસાન 50,000 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. ડિસ્કોમ પર કંપનીઓનું એરિયર્સ અંદાજે 95,000 કરોડ રૂપિયા છે. ડિસ્કોમને સરકાર તરફથી સબસિડી મળવામાં વિલંબ થાય છે, જેથી વિદ્યુત વિતરણ કંપનીઓ મુશ્કેલીમાં મુકાય છે. હાલબધા જ વીજગ્રાહકો સબસિડીને પાત્ર છે, પરંતુ આગામી સમયમાં સરકાર રાંધણ ગેસની જેમ હવે વીજળીમાં પણ સબસિડી જરૂરિયાતમંદો સુધી મર્યાદિત રાખવા માગે છે. પરિણામે નવા બિલમાં સ્લેબના આધારે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં જ જમા કરવાની સરકારની યોજના છે.
વધુમાં નવા બિલમાં રાજકીય પક્ષોને ખેડૂતોને મફત વીજળીનું ચૂંટણી વચન આપતા રોકવામાં આવશે. રાજકીય પક્ષોના આવા વચનોના કારણે ખેડૂતો વીજળીનું બિલ ભરતા નથી. દેશના અનેક રાજ્યોમાં આ પરંપરા ચાલી રહી છે. તેનાથી સરકારને આવકમાં પણ નુકસાન થાય છે. બીજીબાજુ મફત વીજળી મળવાથી ખેડૂતો દિવસ-રાત સિંચાઈ પમ્પ ચલાવીને જરૂરિયાત કરતાં વધુ પાક પેદા કરે છે, જેને સરકાર ખરીદવા માગતી નથી. હાલ કેન્દ્ર સરકાર પાસે ઘઉંના બફર સ્ટોક કરતાં પણ વધુ સંગ્રહ થઈ ગયો છે. પંજાબ, હરિયાણામાં પાક વધુ થવાથી અનાજ ખુલ્લામાં પડયું રહે છે અને તે વરસાદમાં પલડી જતાં આ પાક બરબાદ થઈ જાય છે તેમજ સબસિડી આપવાના કારણે ખર્ચ વધવાથી આ પાકની નિકાસ પણ થઈ શકતી નથી.