કાલાવડ તાલુકાના વિભાણિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતાં યુવકને તેની પત્ની સાથે ઘરકામ બાબતે તથા પત્ની દ્વારા પતિનો મોબાઇલ ચેક કરવાની બાબતે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો.

બનાવની વિગત મુજબ ગુજરાતના મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના વિભાણિયા ગામની સીમમાં આવેલા બાબુભાઇ પટેલના ખેતરમાં મજૂરીકામ કરતો દિનેશ મસુરભાઇ વાદી (ઉ.વ.20) નામના યુવકને તેની પત્ની સાથે ઘરકામ કરવાની બાબતે તથા પત્ની દ્વારા પતિનો મોબાઇલ ચેક કરવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતાં મંગળવારે રાત્રિના સમયે દિનેશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ સુભાષ દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.