Sunday, April 27, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતનો વીજપુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28 ટકા વધ્યો

ગુજરાતનો વીજપુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28 ટકા વધ્યો

ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32 માં 900 ગીગા વોટ થવાની સંભાવના - રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પુછેલ પ્રશ્નોના જવાબમાં માહિતી

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો 1,13,697 મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર 2031-32માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાને 900 ૠઠ સુધી લઈ જવાની પણ યોજના ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે ફેબ્રુઆરી 3, 2025ના રોજ રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

- Advertisement -

મંત્રીના નિવેદન મુજબ સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશને વીજળીની ખાધમાંથી પર્યાપ્ત વીજળી ધરાવતાં દેશમાં પરિવર્તિત કર્યો છે. દેશની વર્તમાન સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 4,62,065 મેગાવોટ છે. મંત્રીના જણાવ્યા અનુસાર એપ્રિલ 2014થી 2,30,050 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને ભારત સરકારે વીજળીની ઉણપના નિર્ણાયક મુદ્દાને ઉકેલ્યો છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું કે 2031-32માં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 900 ગીગાવોટ થવાની સંભાવના છે જેમાં પરંપરાગત સ્ત્રોતો- કોલસો, લિગ્નાઈટ વગેરે, બિનપરંપરાગત સ્ત્રોતો- સૌર, પવન, હાઇડ્રો, પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ (પીએસપી) અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ)નો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ઊર્જા મંત્રાલયે રાજ્યો સાથે પરામર્શ કરીને 2031-32 સુધીમાં ઓછામાં ઓછી 80,000 મેગાવોટની થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાની યોજનાની કલ્પના કરી છે. આ લક્ષ્યાંક સામે 28,020 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા પહેલેથી જ નિર્માણાધીન છે અને નાણાકીય વર્ષ 2024-25માં 19,200 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, એમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે વધુમાં 36,320 મેગાવોટ કોલસો અને લિગ્નાઈટ આધારિત ઉત્પાદન ક્ષમતા તૈયાર કરવાનું આયોજન છે, જે દેશમાં આયોજનના વિવિધ તબક્કામાં છે.

- Advertisement -

તેમણે એમ પણ કહ્યું કે 13,997.5 મેગાવોટના હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને 8,000 મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (પીએસપી) નિર્માણાધીન છે. 24,225.5 મેગાવોટના હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 50,760 મેગાવોટ પીએસપી યોજનાના પ્રોજેક્ટ વિવિધ તબક્કા હેઠળ છે અને 2031-32 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે 7,300 મેગાવોટ પરમાણુ વીજ ક્ષમતા નિર્માણાધીન છે અને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 7,000 મેગાવોટ યોજના આયોજન અને મંજૂરીના વિવિધ તબક્કાઓ હેઠળ છે.

મંત્રીના નિવેદન મુજબ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રીએ (MNRE) નાણાકીય વર્ષ 2023-24થી 2027-28 સુધી રિન્યુએબલ એનર્જી અમલીકરણ એજન્સીઓ થકી 50 ગીગાવોટ/વાર્ષિક રિન્યૂએબલ એનર્જીનો વીજ પુરવઠો પ્રાપ્ત કરવા માટેની બિડ મંગાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ઓટોમેટિક રૂટ હેઠળ 100% સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી પણ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન પ્લાનિંગ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન મુજબ 2022-23 થી 2031-32 સુધીના દસ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 1,91,474 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન અને 1274 જીવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા (220 કેવી અને તેનાથી ઉપરના વોલ્ટેજ સ્તરે) ઉમેરવાનું આયોજન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular