દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાન દ્વારા જગત મંદિરના શિખર પર ધ્વજાજી ચડાવવા સંદર્ભે જુદા જુદા બે આસામીઓ પાસેથી અનધિકૃત રીતે રૂપિયા 51-51 હજારની રકમ મેળવી લઈ, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્થા સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં રહેતા અને ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505ની સંસ્થામાં ધ્વજાજી બુકિંગના મેનેજર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ વિનોદભાઈ દેવમુરારીએ દ્વારકાના રહીશ શિવમ દીપકભાઈ ઠાકર સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે થોડા સમય પૂર્વે કચ્છ-ભુજના રહીશ તીર્થરાજસિંહ રાજેન્દ્રસિંહ રાજપુત દ્વારા સંસ્થાને મોકલવામાં આવેલા એક પત્રમાં તેમના દ્વારા ઓનલાઈન નાણાની રકમ ટ્રાન્સફર કરીને બે ધ્વજાજીનું બુકિંગ કરવામાં આવ્યું હતું. જે બાબત ક્ધફર્મ કરવા તેમણે આ પત્રમાં જણાવ્યું હતું.
આસામી દ્વારા જુદી જુદી બે પહોંચ પણ મોકલવામાં આવી હતી. ફરિયાદી મેનેજર ધવલભાઈ દેવમુરારી દ્વારા આ અંગેની તપાસમાં ઉપરોક્ત બંને પહોંચ બનાવટી હોવાનું તેમજ પૂજાબેન મેવાડા અને દીપ જનકકુમાર મેરના નામથી આ બંને પહોંચમાં સંસ્થાના મોબાઈલ નંબર ન દર્શાવ્યા હોવાનું તેમજ મેનેજર દીપકભાઈની સહી પણ ખોટી હોવાનું ખુલવા પામ્યું હતું. ઉપરોક્ત આસામીઓ પાસેથી ધ્વજાજી બુકિંગના નામે મેળવેલી કુલ રૂ. એક લાખ બે હજારની રકમ તેણે પોતાના એસ.બી.આઈ.ના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફરથી મેળવી હોવાનું પણ ખુલવા પામ્યું છે.
આમ, આરોપી શિવમ દીપકભાઈ ઠાકર દ્વારા જુદા જુદા બે આસામીઓ સાથે ધ્વજાજીના બુકિંગ સંદર્ભે બનાવટી પહોંચ બનાવી તેમાં ખોટી સહી કરી પૂજાબેન મેવાડા અને દીપ મેર ઉપરાંત સમસ્ત ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 – દ્વારકાની સંસ્થા સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે આરોપી સામે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.


