કાલાવડ ગામમાં રહેતા યુવકના લગ્ન ઉપલેટાના ખારસિયા ગામની યુવતી સાથે થયા બાદ યુવતીને વધુ ઘરકામ કરાવવાની બાબતે યુવતીના પિતા અને પોલીસ કર્મચારી કાકા સહિતના ચાર શખ્સોએ યુવાનના ઘરે આવી બોલાચાલી અને ગાળાગાળી કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામના વતની મૂળજીભાઇ વાઘેલા નામના યુવાનના ભાઇ પ્રવીણ વાઘેલાના લગ્ન ઉપલેટા તાલુકાના ખારસિયા ગામના માધા પુંજા બગડાની પુત્રી દમયંતિ સાથે થયા હતા અને લગ્નજીવન દરમ્યાન દમયંતિને વધુ ઘરકામ કરાવતા હોય જેથી યુવતીના પિતા માધા પુંજા બગડા અને ધર્મેશ માધા બગડા નામના બન્ને પિતા-પુત્રએ બાઇક પર પ્રવીણના ઘરે આવી પરિવારજનોને દમયંતિને કેમ વધુ કામ કરાવો છો? તેમ કહી બોલાચાલી કરી હતી. દરમ્યાન પાછળથી યુવતીના પોલીસ કર્મચારી કાકા દીનેશ પુંજા બગડા, રમેશ માધા બગડા તેમની જીજે03-કેપી-0717 નંબરની કારમાં આવ્યા હતા. અને દમયંતિને વઘુ ઘરકામ કરાવવાની બાબતે ચારેય શખ્સોએ એકસંપ કરી મૂળજીભાઇ વાઘેલા તથા તેમના પરિવારજનો સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો તેમજ દિનેશ બગડાએ લોખંડના પાઇપ વડે મૂળજીભાઇ ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતા. ત્યારબાદ જતાં જતાં મૂળજીભાઇને તથા તેના પરિવારજનોને ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા મૂળજીભાઇને સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.