જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતાં બે યુવાનોએ ગાળો બોલવાની ના પાડતાં ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી બાઇકમાં પથ્થરના ઘા કરી નુકશાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હુમલાની વિગત મુજબ જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી કરતાં અબ્દુલભાઇ તુરિયા નામના યુવાનનો પુત્ર અરમાન શનિવારે સાંજના સમયે પરિણામ લેવા જતો હતો ત્યારે મચ્છરનગર વિસ્તારમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન અને જગદિશસિંહ ઉર્ફે જગો સોઢા નામના બે શખ્સો ગાળાગાળી કરતા હતા. જેથી અરમાને ગાળો બોલવાની ના પાડતાં દિવ્યરાજસિંહ, જગદિશસિંહ, કુલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ તથા શબ્બીરહુસેન સંઘાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી અરમાનને ઢીકાપાટુનો માર મારી લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ અરમાને ઘરે જઇ તેના પિતાને વાત કરતાં અબ્દુલભાઇ સમજાવવા ગયા હતા ત્યારે દિવ્યરાજસિંહ અને કુલદીપસિંહ તથા શબ્બીરહુસેન નામના ત્રણ શખ્સોએ અબ્દુલભાઇને ઢીકાપાટુનો માર મારી ગાળાગાળી કરી હતી. તેમજ યુવરાજસિંહ જાડેજાના જીજે10-ડીએલ-2896 નંબરના એક્ટિવામાં પથ્થરના ઘા મારી નુકશાન પહોંચાડયું હતું.
હુમલાના બનાવ અંગે અબ્દુલભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ હુમલો કરી વાહનમાં નુકશાન પહોંચાડયાનો ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.