જામનગર શહેરના ધરારનગર-ર વિસ્તારમાં નાના બાળકોને શેરીમાં રમવાની બાબતે ચાર શખ્સોએ વૃદ્ધા તથા તેની પુત્રવધૂ સાથે બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં આવેલી શાળા નંબર 40 પાસે રહેતાં મરીયમબેન અલ્લારખા વારિયા નામના વૃદ્ધાના ઘર પાસે રજાક સાટી, સોયેબ સાટી, અસગર સાટી અને નૂરજહાંબેન સાટી નામના ચાર શખ્સોએ આવીને વૃદ્ધાન પુત્રવધૂને, ‘તમારા છોકરા ઘરની બહાર શેરીમાં રમે છે. જેને કારણે શેરીમાં ચાલવાની જગ્યા રહેતી નથી.’ તેમ કહીને સાસુ-વહુ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. લાકડાના ધોકા વડે સાસુ-વહુ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી, ઢીકાપાટુનો માર મારી વૃદ્ધાને, “બીજીવાર ધ્યાન રાખજે. તમે મને બેડેશ્વરમાં ન દેખાવા જોઇએ. નહીં તો જાનથી માર નાખીશ.” તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગે વૃદ્ધા મરીયમબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.