Wednesday, December 4, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં 8 ઈંચ સુધીના વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ

દ્વારકામાં 8 ઈંચ સુધીના વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ

દ્વારકા તાલુકામાં 4 દિવસમાં 29 ઈંચ વરસાદ: જિલ્લામાં લીલા દુષ્કાળની ભીતિ : નગરપાલીકા દ્વારા રેસ્કયુ - પાણી નિકાલની અવિરત કામગીરી : દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15 પૈકી 8 ડેમો ઓવરફલો : ભીમગજા, મીઠીખારી ડેમ ઓવરફલો થતાં ગ્રામીણ વિસ્તારોમાં હાલત કફોડી

- Advertisement -

અરબી સમુદ્રમાં રચાયેલી અલગ અલગ સિસ્ટમના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને ઘમરોળ્યું છે. ત્યારે સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘતાંડવ જોવા મળ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં 11 ઈંચ અને દ્વારકામાં સોમવારે 7 સહિત આજે સવાર સુધીમાં કુલ 8 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે પણ વધુ વરસાદની સંભાવના સાથે સમગ્ર હાલાર પંથકમાં રેડ એલર્ટ અપાયું છે.

- Advertisement -

જિલ્લાના અમૂક ભાગોમાં સતત વરસતા વરસાદ તેમાં પણ સાંબેલાધાર મેઘમહેરથી ઠેરઠેર લોકો ફસાયાના સમાચારો મળતાં થયા હતા. કલ્યાણપુર તાલુકાના પાનેલીમાં ખેતરમાં ફસાયેલાં ત્રણ લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ પણ પહોંચી શકે તેમ ન હોય એરફોર્સની મદદથી ત્રણેય વ્યકિતઓના રેસ્કયુ કરાયા હતા. જ્યારે ટંકારીયા અને કેશવપુર ગામે ફસાયેલા ચાર-ચાર વ્યકિતઓને એનડીઆરએફની ટીમે બચાવી લીધા છે. અસંખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં શુક્રવારે 15 ઈંચ, શનિવારે 7 ઈંચ, ગઈકાલે હાજરી પુરાવ્યા બાદ આજે મંગળવારે સવાર સુધીમાં વધુ 8 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ચાર દિવસમાં જ વધુ 29 ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 42 ઈંચ જેટલો થયો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અવિરત વરસાદથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

- Advertisement -

દ્વારકા નગરપાલીકા દ્વારા ચાર દિવસથી પાણી નિકાલની કામગીરી સતત ચાલી રહી છે. આમ છતાં વરસાદી પાણીના પ્રવાહના લીધે ફરી પાણી ભરાઈ રહ્યા છે. પૌરાણિક કકલાશ કુંડ સહિતના કુંડો સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલવે સ્ટેશન, આવળપરા, જલારામ નગર, નરસંગ ટેકરી, ભદ્રકાલી ચોક વિગેરે સ્થળોએ પાણી ભરાતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. જેના કારણે જગતમંદિરે આવતાં ભાવિકોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. તો ભદ્રકાલી ચોકમાં એક પરિવારના બાળકોને પાણીમાં ડૂબતા નગરપાલીકાના જવાનોએ બચાવ્યા હતા.

ગઈકાલે સોમવારનો કામકાજનો દિવસ હોવા છતાં દ્વારકાની ચાર બેન્કોમાં વરસાદી પાણીના ભરાવાને લીધે બેન્કનો વ્યવ્હાર ઠપ્પ થઈ ગયો હતો. શહેરની બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ સહિતની બેન્કોમાં વરસાદી પાણીના ભરાવાને લીધે વ્યવહારો બંધ રહયા હતા. પોસ્ટ ઓફીસમાં પણ વરસાદને કારણે કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી.પંડયાએ ગતસાંજે તેમના વિડીયો સંદેશમાં જણાવ્યાનુસાર જિલ્લાના 15 પૈકી 9 ડેમો ઓવરફલો થયા છે. જ્યારે 3 ડેમો 70 ટકા જેટલા ભરાયા છે. આ સાથે લોકોને ડેમ વિસ્તારમાં કોઝ વે વિગેરે જગ્યા પરથી પસાર ન થવા અને સલામતી રાખવા અપીલ કરાઇ છે.

દ્વારકા તાલુકાના રાજાશાહી વખતના તળાવો છલકાયા હતા અને ભીમગજા તથા મીઠીખારી ડેમ ઓવરફલો થયા છે. આ ડેમ નજીક આવેલા નાગેશ્વર, ગોપી, મુળવાસર, મૂળવેલ, ખતુંબા, ટુંપણી સહિતના ગામોમાં વરસાદી પાણીને લીધે હાલત કફોડી બની છે. પોસીત્રા ગામે દરિયા કિનારે આવેલ મીઠાના અગરમાં પાણી ભરાતા છેલ્લાં પાંચ દિવસથી આ ગામનો રસ્તો બંધ છે અને વૈકલ્પિક વ્યવસ્થા નહિં હોય ગ્રામજનોની હાલત કફોડી બની છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા, રાવલ સહિતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદથી વ્યાપક નુકસાની સાથે પૂર જેવી સ્થિતિ જોવા મળી છે તો ભોગાત નંદાણામાં પણ વ્યાપક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓખા મંડળના મીઠાપુર સુરજકરાડીમાં પણ ધોધમાર વરસાદને લીધે નીચાણવાળા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular