Thursday, July 10, 2025
Homeરાજ્યહાલારકાલાવડ તાલુકાના ખરેડીમાં ધોધમાર પાંચ ઇંચ, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ

કાલાવડ તાલુકાના ખરેડીમાં ધોધમાર પાંચ ઇંચ, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ

ધ્રોલમાં એક ઇંચ, જોડિયા અને જામનગરમાં અડધો-અડધો ઇંચ વરસાદ : પરડવા અને પીઠડમાં અઢી-અઢી ઇંચ, વાંસજાળિયા-જામવાડી-નવાગામમાં બે-બે ઇંચ : અસહ્ય બફારામાં મહદઅંશે રાહત

જામનગર જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામજોધપુરમાં અઢી ઇંચ અને ધ્રોલમાં એક તથા જોડિયા અને જામનગરમાં અડધો-અડધો ઇંચ પાણી વરસતા બફારામાં મહદઅંશે રાહત અનુભવાઇ હતી.

- Advertisement -

આ વર્ષે હાલારમાં ચોમાસાની શરૂઆત સમયસર થઇ ગઇ હતી અને જામનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જીવાદોરીસમાન રણજિતસાગર ડેમ ઓવરફલો થઇ ગયો હતો. કેમ કે આ પહેલાં સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવામાં આવ્યું હતું. જિલ્લામાં ચોમાસાના પ્રથમ રાઉન્ડ બાદ વરસાદે વિરામ રાખતા બફારો અસહ્ય બની ગયો હતો. અને બે દિવસના વિરામ બાદ જામનગર શહેરમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે એકધારો કલાક સુધી વરસતા આ વરસાદ સીધો જમીનમાં ઉતર્યો હતો. જેના કારણે બે-ત્રણ દિવસથી અસહ્ય બફારો અનુભવતા શહેરીજનોએ વરસાદને કારણે ઠંડક થવાથી રાહત અનુભવી હતી.

છેલ્લા ચોવીસ કલાકના આંકડા મુજબ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વરસતાં ગામના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નદી-નાળા તથા ચેકડેમ અને ખેતરોમાં વરસાદી પાણીની આવક થઇ હતી. તેમજ કાલાવડ તાલુકાના નવગામમાં બે ઇંચ, મોટા પાંચ દેવડામાં પોણા બે ઇંચ, નિકાવામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામજોધપુરમાં ગુરૂવારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં અઢી ઇંચ પાણી આકાશમાંથી વરસી ગયું હતું. જામજોધપુર તાલુકાના પરડવામાં પણ અઢી ઇંચ તથા વાંસજાળિયામાં સવા બે ઇંચ, જામવાડીમાં બે ઇંચ અને શેઠવડાળામાં સવા ઇંચ તથા સમાણામાં એક ઇંચ તેમજ ધુનડામાં સામાન્ય ઝાપટારૂપે અડધો ઇંચ પાણી પડયાના અહેવાલ છે.

- Advertisement -

ઉપરાંત ધ્રોલમાં ગઇકાલે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીના ચાર કલાકમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત તાલુકાના લતીપરમાં બે ઇંચ તથા લૈયારામાં એક ઇંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. જોડિયામાં ધીમી ધારે અડધો ઇંચ પાણી પડયું છે. તાલુકાના પીઠડ ગામમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. હડિયાણામાં પણ ઝાપટું વરસ્યું હતું. લાલપુર ગામમાં ઝરમર ઝરમર અડધો ઇંચ પાણી પડયું હતું. જ્યારે તાલુકાના મોડપર ગામમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ભણગોર અને હરીપરમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો હતો. તથા પીપરટોડા, પડાણા અને મોટા ખડબામાં જોરદાર ઝાપટા પડયા છે.

જામનગર શહેર તથા જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ વીરામ લેતા વાદળિયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો વધી ગયો હતો. ગઇકાલે સવારથી જ વરસાદી વાતાવરણ છવાઇ ગયું હતું. સાંજના પાંચ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં રાહત અનુભવાઇ હતી. જો કે, મેઘરાજાએ એક કલાક વરસીને અડધો ઇંચ પાણી વરસાવ્યું હતું. આ વરસાદી પાણીના કારણે બફારામાં ઘણી રાહત અનુભવાઇ હતી. તેમજ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ધીમી ધારે સવા ઇંચ અને મોટી ભલસાણ તથા જામવંથલીમાં એક-એક ઇંચ પાણી વરસ્યું હતું. ઉપરાંત અલિયાબાડામાં પોણો ઇંચ તથા મોટી બાણુંગારમાં ઝાપટા રૂપે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. લાખાબાવળ, વસઇ અને દરેડ ગામમાં જોરદાર ઝાપટા વરસ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular