ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ સમયાંતરે વિવિધ પ્રકારની ખનીજચોરી પ્રકાશમાં આવી છે. ખાસ કરીને દરિયાઇ રેતી ચોરી તથા બોકસાઇટ ચોરીના બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર ચાલી રહેલા રસ્તાના કામમાં ઉપયોગમાં લેવાતી કપચી (ખનીજ) ની મંજૂરી વગર તથા ઓવરલોડ રીતે કરવામાં આવી રહેલી હેરાફેરી સંદર્ભે જાગૃત લોકો દ્વારા ગત મોડી રાત્રીના સમયે જનતા રેડ કરી અને પાંચ ડમ્પર પકડી પાડવામાં આવ્યા છે. ખાનગી કંપનીની માલિકીના મનાતા આ વાહનો સહિત કુલ રૂપિયા દોઢ કરોડ જેટલો મુદ્દામાલ ખનિજ તંત્ર દ્વારા કબ્જે લેવામાં આવ્યો છે.
આ અંગે સરકારી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા-જામનગર હાઈવે પર અત્રેથી આશરે દસેક કિલોમીટર દૂર એન.આર.ઈ. કંપનીની ગોલાઈ આગળથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે સ્થાનિક જાગૃત લોકોએ કાર્યવાહી કરી અને આ માર્ગ પરથી પસાર થઈ રહેલા કાકરી (કપચી) ભરેલા પાંચ ડમ્પરને અટકાવવામાં આવ્યા હતા. આ જનતા રેડમાં ત્રણ ડમ્પર ચાલકો પાસે આ બ્લેક સ્ટ્રેપ (કપચી) ની કોઈ રોયલ્ટી ન હતી અને બે ડમ્પર ઓવરલોડ જઈ રહ્યા હતા.
આથી આ અંગે ઉપસ્થિત લોકો દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ખાણ ખનીજ અધિકારી ભવદીપ ડોડીયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ તમામ પાંચ વાહનોનો કબજો મેળવી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક ચાલી રહેલા ફોરલેન સી.સી. રોડના કામ કે જે જી.આર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેના યાર્ડ (સ્ટોર) માંથી આ કંપનીના વાહનો દ્વારા કાકરી (કપચી) લઈ જવામાં આવતી હતી. જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે રૂપિયા દોઢ કરોડ જેટલો આ મુદ્દામાલ કબજે લઇ અને કંપનીને નોટીસ આપવા સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ખંભાળિયામાં બેફામ થતી ખનીજચોરી પર જનતા રેડ, પાંચ ડમ્પર કબ્જે
રૂપિયા દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કરતું ખાણ ખનીજ વિભાગ