જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મોટી મશીન મનોરંજનની રાઈડો, જાયન્ટ વ્હીલ, નાવડી સહિતની ઊંચાઈવાળી રાઈડો તેમજ બાળકો માટેની વિવિધ રાઈડો લગાવવામાં આવી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી મુલાકાતીઓની સલામતીને પ્રાથમિકતા આપી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા રાઈડ સંચાલકો અને મેળાના વ્યવસ્થાપકોને ખાસ તાલીમ આપવામાં આવી હતી.
મેળા દરમિયાન કોઈ રાઈડમાં યાંત્રિક ખામી સર્જાય અને રાઈડ અચાનક ઊભી રહી જાય, જેના કારણે તેમાં બેઠેલા લોકો ઊંચાઈ પર ફસાઈ જાય, ત્યારે તેમને સલામત રીતે નીચે ઉતારવાની કામગીરી કેવી રીતે કરવી તે અંગે ફાયર બ્રિગેડની ટાવર લેડર ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાઈડમાં આગ લાગવા જેવી આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો ફાયર એક્સ્ટીંગ્યુસર એટલે કે અગ્નિશામક બાટલાનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ તાલીમ આપવામાં આવી હતી.
ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થાય અથવા વીજળી સંબંધિત અન્ય કોઈ બનાવ બને ત્યારે રાઈડ સંચાલકો અને કર્મચારીઓએ કઈ રીતે તકેદારી રાખવી, લોકોને ઘટનાસ્થળથી દૂર રાખવા તથા પ્રાથમિક બચાવ કામગીરી હાથ ધરવી તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
View this post on Instagram
આ તાલીમ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ડેપ્યુટી ફાયર ઓફિસર જસ્મિન ભેંસદડીયા, ફાયર સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, ઉપેન્દ્ર સુમડ સહિતના અધિકારીઓ તથા ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે મેળાના આયોજકો, વ્યવસ્થાપકો અને વિવિધ રાઈડના સંચાલકોને આકસ્મિક પરિસ્થિતિમાં ગભરાયા વિના તાત્કાલિક અને સલામત રીતે કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપી પ્રેક્ટિકલ તાલીમ પણ આપી હતી. શ્રાવણી મેળામાં આવનારા મુલાકાતીઓની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી થઈ શકે તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી.


