દેવભૂમિ દ્વારકા જિલ્લાના સઇદેવળિયા ગામમાં રહેતાં અને 40 વર્ષથી ગાંજાનું વ્યસન હોય અને હાલમાં જ એનડીપીએસના ગુનામાં જામનગરની જીલ્લા જેલમાં 13 દિવસથી રહેલા વૃદ્ધને ગાંજાના વ્યસનને કારણે નબળાઈ લાગતા બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઇ દેવળિયા ગામમાં રહેતાં ધનજીભાઈ લક્ષ્મણભાઈ ગજરોતર (ઉ.વ.60) નામના વૃદ્ધને છેલ્લાં 40 વર્ષથી ગાંજાનું વ્યસન હતું અને ગાંજા વગર રહી શકતા ન હતાં. દરમિયાન હાલમાં જ ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ધરપકડ થયા બાદ 13 દિવસથી જામનગરની જીલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં જ્યાં ગાંજો મળતો ન હોય જેથી વર્ષોથી ગાંજાના વ્યસનના કારણે નબળાઈ લાગતા જિલ્લા જેલમાં ગત તા.8 ના રોજ સવારના સમયે એકાએક બેશુદ્ધ થઈ જતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર કૌશિકભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.જી. રામાનુજ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.