કલ્યાણપુર નજીકના હાબરડી ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક મોટરકાર અકસ્માતમાં એક વૃદ્ધ તથા તેમના પરિચિત એવા એક મહિલાના કમકમાટીભર્યા મોત નીપજ્યા પછી હતા.
આ કરૂણ બનાવની વિગત એવી છે કે દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજીભાઈ લાલજીભાઈ જોશી નામના એક વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જામનગર ખાતે રહેતા એક પરિચિત તેવા મનસુખભાઈ ઠાકરની જીજે-10-એસી-5646 નંબરની મોટરકારમાં જામનગરથી રાજપરા ગામે આવેલા લુણાઈ માતાજીના મંદિરે હવન હોવાથી ગયા હતા. આ મોટરકારને મનસુખભાઈનો પુત્ર અક્ષય ચલાવી રહ્યો હતો.
ગુરુવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે આ મારુતિ સુઝુકી મોટરકાર કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર હાબરડી ગામના પાટીયા નજીક પહોંચી, ત્યારે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી આ મોટરકાર રોડ વચ્ચેના ડીવાઇડર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ખીમજીભાઈ જોષી તેમજ તેમની સાથે જઈ રહેલા તેમના સાળાના પત્ની એવા મંજુબેન મનસુખભાઈ ઠાકરને જીવલેણ ઇજાઓ થતાં તેમને ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે મોટરકારમાં જઈ રહેલા મનસુખભાઈ તથા તેમના પુત્ર અક્ષયને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે દ્રષ્ટિબેન મનસુખભાઈ ઠાકરને પણ સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતક ખીમજીભાઈના પુત્ર અનિલભાઈ ખીમજીભાઈ જોશીની ફરિયાદ પરથી તેમના પિતા તથા મામી મંજુબેનનું મોત નિપજાવવા સબબ કારના અક્ષયભાઈ મનસુખભાઈ ઠાકર સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


