ચૈત્ર માસના પાવન અંતિમ દિવસ ‘ચૈત્રી અમાવસ્યા’ના અવસરે શુક્રવારે ધર્મનગરી દ્વારકાધીશ જગતમંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યભરના તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા અને પ્રભુના દર્શનનો લાભ લીધો હતો.
આ પવિત્ર પ્રસંગે ભાવિકોએ ગોમતી નદી ખાતે સ્નાન કરીને દાન-પુણ્ય તથા ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ગોમતી સ્નાનને પાવનકારી માનવામાં આવતા, ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી ‘કાળિયા ઠાકોર’ને નમન કરીને જીવન ધન્ય બનાવ્યું હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
જગતમંદિરમાં મંગલા આરતી દરમિયાન મોટી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ‘જય દ્વારકાધીશ’ના ગૂંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સંકીર્તન, પ્રભુસ્મરણ અને પૂજા-અર્ચન સાથે દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક તંત્ર અને મંદિર વ્યવસ્થાપન દ્વારા ભક્તોને સુવિધા મળે તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.
ચૈત્રી અમાવસ્યાના આ પાવન અવસરે દ્વારકામાં ભક્તિ અને આસ્થાનું અવિસ્મરણીય દ્રશ્ય જોવા મળ્યું હતું.


