ખંભાળિયા – પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત આગળ ઊભેલા બંધ ટ્રેલરના કારણે સર્જાયો હોવાનું જાહેર થયું છે.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા – પોરબંદર હાઈવે પર કેશોદ ગામે આવેલા એક મંદિર પાસેથી બુધવારે રાત્રિના 9 વાગ્યાના અરસામાં જીજે37 વી 0295 નંબરના કેરી વાહનમાં દૂધ ભરીને ખંભાળિયા તરફ આવી રહેલા જયેશભાઈ જીવણભાઈ જામ (ઉ.વ. 22, રહે. માળી, તા. કલ્યાણપુર) તથા તેમના કાકાના દીકરા પિતરાઈ ભાઈ સુમિતભાઈ હરિભાઈ જામ (ઉ.વ. 15)ને આગળ જઈ રહેલા જીજે12 સીટી 1841 નંબરના ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા જયેશભાઈ જામનું કેરી વાહન ટ્રકની પાછળ અથડાઈ પડ્યું હતું. આ અકસ્માતના કારણે કેરી વાહનમાં બેઠેલા 15 વર્ષીય સુમિતભાઈ જામને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જયેશભાઈને અહીંની ખાનગી હોસ્પિટલમાં જરૂરી સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માત ટ્રકની આગળ બંધ રહેલા આરજે18 જીબી 3588ના ટ્રેલરના કારણે થયાનું ખુલવા પામ્યું છે. રાજસ્થાન પાસિંગનું ઉપરોક્ત ટ્રેલર બ્રેકડાઉન હોવાના કારણે આ ટ્રેલરના ચાલકે આગળ પાછળ કોઈ આડસ કે સાઈડ સિગ્નલ ચાલુ રાખ્યું ન હોવાથી તેની પાછળ જઈ રહેલા ટ્રકના ચાલકે બ્રેક મારતા કેરી વાહન તેની પાછળ અથડાઈ પડ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જયેશભાઈ જામની ફરિયાદ પરથી ટ્રેલરના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ યુ. કે. જાદવ તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


