Friday, July 10, 2026
Homeરાજ્યહાલારમાતા સાથે વાત કરતી પત્નીનો ફોન પતિએ લઇ લેતાં પત્નીનો આપઘાત

માતા સાથે વાત કરતી પત્નીનો ફોન પતિએ લઇ લેતાં પત્નીનો આપઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામની સીમમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. પોતાની માતા સાથે ફોન પર વાતચીત કરતી વખતે પતિએ મોબાઈલ ફોન લઈ લેતા આવેશ અને ગુસ્સામાં આવી ગયેલી પરિણીતાએ મોડીસાંજે પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી આ પરિણીતાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના બુંદી જિલ્લાના ડાલી ગામના વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે લાલાભાઇ દરબારની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા મધુબેન (ઉ.વ. 24) ગત્ તા. 03ના સવારના સાતેક વાગ્યાના અરસામાં વાડીએ પોતાના માતા સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન વચ્ચે અન્ય કોઈ વ્યક્તિનો ફોન આવી જતાં, મધુબેનના પતિ નારૂ દશરૂભાઇ સીગારે તેમની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો. આ બાબતનું મધુબેનને સખત લાગી આવ્યું હતું. આથી તેમણે વાડીમાં રાખેલી પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા ગટગટાવી હતી. ઝેરી દવાની અસર થતાં મધુબેનને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ મૃતકના પતિ નારૂ સીગાર દ્વારા કરવામાં આવતાં પીએસઆઇ એન. એન. વાળા તથા હે.કો. એચ.ડી. કરમુર સહિતના સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરતાં મૃતકના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા અને રોજીરોટી કમાવવા વતનથી દૂર દંપતિ ખેતમજૂરી કરતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular