રાજ્યના સ્ટેટ ટેક્સ (GST) વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી સામે કાર્યવાહી વધુ સઘન બનાવતા વેપારી વર્ગમાં જરૂરી દસ્તાવેજો અને નિયમોના પાલન અંગે જાગૃતતા વધારવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં બોગસ બિલિંગ કૌભાંડ સાથે જોડાયેલી 450થી વધુ પેઢીઓની GST નોંધણી રદ કરવામાં આવતા સમગ્ર વેપારી વર્ગમાં ચર્ચા જાગી છે.
વેપારીઓને નિયમોની સ્પષ્ટ સમજ મળે અને માલની હેરફેર દરમિયાન ઉભી થતી મુશ્કેલીઓ અંગે ચર્ચા થાય તે હેતુથી સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા વેપારી સંગઠનો અને ટેક્સ એસોસિએશન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિવહન દરમિયાન સાથે રાખવાના જરૂરી દસ્તાવેજો, અધિકારીઓ દ્વારા થતી ચકાસણીની પ્રક્રિયા તેમજ ફેક બિલિંગ જેવી ગેરરીતિઓને રોકવા માટેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
જૂનાગઢ ડિવિઝન-11ના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર ધર્મેન્દ્રજીત યશિકે જણાવ્યું હતું કે વેપારીઓ અને વિભાગ વચ્ચે સંવાદ વધે અને નિયમોના પાલન સાથે વેપાર વધુ સરળ બને તે માટે આ પ્રકારની બેઠકો ઉપયોગી સાબિત થઈ રહી છે.
બીજી તરફ જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના જોબવર્ક એકમોની સમસ્યાઓને લઈને GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા GST વિભાગના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એસોસિએશને ખાસ કરીને નાના જોબવર્ક કરતા પરિવારોને દંડની જોગવાઈમાં વ્યવહારૂ રાહત આપવા રજૂઆત કરી છે.
જામનગરમાં અંદાજે 8 હજારથી વધુ બ્રાસ ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી આશરે 5 હજાર જેટલા નાના એકમો માત્ર જોબવર્ક આધારિત કામગીરી કરે છે. શહેર ઉપરાંત આસપાસના 10થી 15 કિલોમીટર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે આવી કામગીરી સાથે જોડાયેલા છે.
રજૂઆતમાં જણાવાયું છે કે જોબવર્ક માટે માલની અવરજવર દરમિયાન જરૂરી દસ્તાવેજોમાં નાની-મોટી ખામી રહેતાં વાહનો અટકાવી દંડ ફટકારવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટા પાયે કરચોરી કે ખરીદી-વેચાણનો મુદ્દો ન હોવા છતાં દંડની કાર્યવાહી નાના કારીગરો અને ગરીબ પરિવારો માટે આર્થિક બોજ બની રહી છે.
એસોસિએશને માંગ કરી છે કે દસ્તાવેજોની ખામી સંબંધિત કડક દંડની જોગવાઈ મુખ્યત્વે કાચા માલ અને તૈયાર માલની ખરીદી-વેચાણ અથવા ડિસ્પેચના કેસોમાં જ લાગુ કરવામાં આવે, જ્યારે માત્ર જોબવર્ક માટે થતી માલની હેરફેરમાં વ્યવહારૂ અભિગમ અપનાવવામાં આવે.
વેપારી સંગઠનોનું માનવું છે કે બોગસ બિલિંગ સામે કડક કાર્યવાહી જરૂરી છે, પરંતુ સાથે નાના અને કાયદાનું પાલન કરતા જોબવર્ક એકમોને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે નિયમોમાં વ્યવહારિક સરળતા લાવવી પણ એટલી જ જરૂરી છે.


