દ્વારકા ગુગ્ગળી બ્રાહ્મણ 505 સમાજની પ્રતિભાશાળી દીકરી અને એમ.ડી. (કાયચિકિત્સા)ના અભ્યાસ સાથે સંકળાયેલી ડો. રચના નારાયણ વાયડાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમનો સંશોધન લેખ પ્રતિષ્ઠિત International Journal of Psychology Research માં પ્રકાશન માટે પસંદગી પામતાં પરિવાર, સમાજ અને શિક્ષણજગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
ડો. રચનાએ પોતાના સંશોધન માટે જનરલાઇઝ્ડ એન્ઝાયટી ડિસઓર્ડર (Generalized Anxiety Disorder) જેવા મહત્વપૂર્ણ વિષયની પસંદગી કરી છે. તેમના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો તેમજ ચિંતા સંબંધિત માનસિક સમસ્યાઓ વિશે લોકોને વૈજ્ઞાનિક અને યોગ્ય માહિતી પહોંચાડવાનો છે.
તેમણે પોતાના સંશોધન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્યનું જતન પણ દરેક વ્યક્તિ માટે અત્યંત આવશ્યક છે. આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં એન્ઝાયટી જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે, છતાં તેના વિશે પૂરતી સમજ અને જાગૃતિનો અભાવ જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે આ વિષય પર સંશોધન હાથ ધર્યું હતું.
ડો. રચના નારાયણ વાયડાની આ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ઉપલબ્ધિ બદલ તેમના પરિવારજનો, માર્ગદર્શકો, સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ હર્ષ વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના ભાવિ અભ્યાસ, સંશોધન અને તબીબી કારકિર્દી વધુ સફળ અને ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ ગુગ્ગળી બ્રાહ્મણ 505 સમાજ માટે ગૌરવની બાબત બની છે.


