જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી ગામની સીમમાં પાયલ ધારની ગોળાઇનો રસ્તો ક્રોસ કરતાં યુવાનને પુરપાટ આવી રહેલા બાઇક ચાલકે ઠોકરે ચઢાવતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ ઉપર સૌરાષ્ટ્ર સોસાયટીના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં મચ્છી માર્કેટ પાસે સૌમ્યરાજ હોટલમાં રહેતાં વિજયભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.46) નામના યુવાન શનિવારે રાત્રિના દસ વાગ્યાના અરસામાં જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડીની સીમમાં આવેલી પાયલ ધારની ગોળાઇ ક્રોસ કરતાં હતા ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે37 આર 3330 નંબરના બાઇકે વિજયભાઇને ઠોકર મારી હડફેટ લેતાં રોડ પર પટકાયેલા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ બાઇક ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર અમન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી નાસી ગયેલા બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


