અનામત માટે ઈડબલ્યુએસ (આર્થિક રીતે નબળો વર્ગ) ની રૂ.8 લાખની વાર્ષિક મર્યાદા પર કેન્દ્ર સરકાર પુન:વિચાર કરશે. સરકારે સુપ્રીમ કોર્ટને કહયુ કે તે ઈડબલ્યુએસ કવોટા માટે મર્યાદા પર ફરી વિચાર કરશે. જે માટે 4 સપ્તાહનો સમય માગવામાં આવ્યો છે. ત્યાં સુધી નીટ ઓલ ઈન્ડિયા કવોટામાં કાઉન્સેલિંગ નહીં થાય.
સુપ્રીમ કોર્ટે સરકારને 4 સપ્તાહનો સમય આપતાં મામલાની આગળની સુનાવણી 6 જાન્યુઆરી, ર0રરના નિર્ધારિત કરી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલમાં ઈડબલ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટે ર1 ઓકટોબરે કેન્દ્ર સરકાર પર મોટા સવાલ ઉઠાવ્યા હતા. નોટ ઓલ ઈન્ડિયા કવોટામાં ઈડબલ્યુએસ અનામતની સુવિધા લેવા માટે મૂળભૂત શરત રૂ.8 લાખ સુધીની વાર્ષિક આવક અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો.
મામલાની સુનાવણીની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે સરકારને કહયુ હતુ કે આ નિયમ અને શરતનો કોઈ આધાર છે કે સરકારે કયાંયથી પણ ઉઠાવીને આ માપદંડ નક્કી કરી નાખ્યા છે ? શું કોઈ સામાજિક, ક્ષેત્રિય અથવા કોઈ સર્વે કે ડેટા તો હશે? કોર્ટે સ્વાસ્થ્ય, સમાજ કલ્યાણ અને કાર્મિક મંત્રાલયને નોટિસ જારી કરી બે સપ્તાહમાં વિસ્તૃત સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પૂછયું હતુ કે ઈડબલ્યુએસ અને ઓબીસી માટે નીટ પરીક્ષાઓમાં અખિલ ભારતીય સ્તરે કવોટાનો શું માપદંડ છે ?