Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી દ્વારા કોરોના સમિક્ષા

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી દ્વારા કોરોના સમિક્ષા

ખાસ કરીને મોરબી અને રાજકોટની સ્થિતિ પર ફોકસ

- Advertisement -

રાજકોટ શહેર અને જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી, બાદમાં લીધેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું જેમાં તેઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાની ભલામણ કરી છે. સિવિલમાં અવ્યવસ્થા મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘છૂટકો જ નથી બેડ ઓછા છે. સરકાર સ્વીકારે છે કે રાજ્યમાં સંક્રમણ વધ્યું છે જેમ અન્ય રાજ્યોમાં કેસ વધ્યા તેમ ગુજરાતમાં પણ વધ્યા છે.

- Advertisement -

સિવિલ ફૂલ છે અને બેડ ઓછા છે’ આ કહ્યા બાદ તેમણે જાહેરાત કરી હતી કે બધી હોસ્પિટલને સૂચના આપી દેવાઈ છે કે એસિમ્ટોમેટીક અને માઈલ્ડ દર્દીઓને દાખલ નહીં કરાય કારણ કે બેડ ઓછા છે અને છાશ ફૂંકી ફૂંકીને પીવાય તે રીતે બેડ વાપરવાના છે જેથી ગંભીર દર્દીઓને સારવાર આપી શકાય અને સાથે જ લોકોને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘યુવાનો, મહિલાઓ, વૃધ્ધો કે બાળકો તમામે આવશ્યકતા વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

થોડા દિવસ ઘરમાં જ રહે અને સ્વયંભૂ લોકડાઉન કરીને સંક્રમણ અટકાવવા સહભાગી બને’ ચેમ્બર ઓફ કોમર્સે પણ સ્વૈચ્છિક લોકડાઉન અંગે રજૂઆત કરી છે તો શું નિર્ણય લેવાશે તે પ્રશ્ર્નમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જે કોઇ સ્વયંભૂ લોકડાઉન કરવા ઈચ્છે છે તેઓ કરે, સરકારને કોઇ વાંધો જ નથી. સરકારે 10 કલાકનો નાઈટ કર્ફ્યુ લાદ્યો છે જે અડધો સમય છે.

- Advertisement -

સવારે કોઇ ગરીબ કમાઈ શકે એટલે સવારે કર્ફ્યુ નથી રાખ્યા અને તે કર્ફ્યુનો પણ કડકાઈથી અમલ કરાશે. લોકો પોતાના ધંધા રોજગારનો સમય 7 વાગ્યા સુધીનો એડજસ્ટ કરી 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાય. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ સાંજ સુધીમાં જ અનેક વેપારી સંગઠનોએ શનિ-રવિના સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘ઘણા લોકો નાઈટ કર્ફ્યુ મામલે કહે છે કે શું રાત્રે જ કોરોના આવે છે ? તેના જવાબમાં કહીશ કે ઉનાળામાં લોકો રાત્રે બહાર નીકળે છે ફરે છે. આ બધાથી સંક્રમણ ફેલાય એટલે રાત્રે બહાર નીકળવાનું નથી. રેસકોર્સની પાળીએ બેસવાનું નથી.

- Advertisement -

રાજ્યમાં કોરોનાના કેસ સહિતના જે આંક જાહેર કરાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર જુદું છે તો શા માટે આંક છૂપાવાય છે તે મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘જે કેસ સરકારી રજિસ્ટરમાં નોધાય છે તે જ જાહેર કરાય છે ઘણા એવા પણ હોય જે સીધા દવાખાને પહોંચ્યા હોય ત્યાથી દવા લઈ લે. સ્વીકારીએ તો છીએ કે સંક્રમણ વધ્યું છે, ડરતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular