જામનગરના ગુલાબનગર મોહનનગર આવાસમાં મકાન ખાલી કરવાનું કહ્યું હોય જે બાબતે બોલાચાલી કરી મહિલા સહિત બે શખ્સોએ ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામાપક્ષે પણ ત્રણ શખ્સોએ મહિલા સાથે ઝપાઝપી કરી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર મોહનનગર આવાસ બિલ્ડિંગ નં.16 બ્લોક નંબર-306 માં રહેતાં પ્રકાશભાઈ હિતેશભાઈ મહેતાએ હાર્દિક કિશોર પારેખને થોડા સમય પુર્વે મકાન ભાડેથી અપાવેલ હોય અને મકાન ખાલી કરવાનું કહ્યું હતું જે સારું ન લાગતા હાર્દિક કિશોર પારેખ, ઋષિ કિશોર પારેખ અને પારુલ ઉર્ફે પાયલ હાર્દિક પારેખ નામના ત્રણ શખ્સોએ ફરિયાદીના માતા સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતાં અને ફરિયાદીને બોલાવતા ફરિયાદી નીચે આવતા પારુલે ફરિયાદીને પથ્થરનો ઘા માર્યો હતો તેમજ અન્ય આરોપી હાર્દિક તથા ઋષિએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ફરિયાદીને માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રકાશભાઈ દ્વારા હાર્દિક કિશોર પારેખ, ઋષિ કિશોર પારેખ તથા પારુલ ઉર્ફે પાયલ હાર્દિક પારેખ વિરૂધ્ધ સિટી એ માં ફરિયાદ નોંધાઈ છે.
સામાપક્ષે પારૂલબેન ઉર્ફે પાયલ હાર્દિક પારેખએ સિટી એ ડીવીઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તથા તેમના પતિ તા.30 એપ્રિલના રાત્રિના સમયે પોતાના ઘરની નીચે ચાલતા હોય ત્યારે ફરિયાદીનો ભાઈ ઋષિ પ્રકાશ મહેતા સાથે ફોનમાં વાતચીત કરતો હોય, બંને ફોનમાં ગાળાગાળી કરતા હોય થોડા સમયે પુર્વે સાગર હિતેશ મહેતાએ ફરિયાદીને ભાડેથી મકાન અપાવેલ હોય જે ખાલી કરવાનું કહ્યું હતું જે બાબતે વાતચીત કરવા જતાં આરોપીના માતા સાથે બોલાચાલી કરી પ્રકાશ હિતેશ મહેતા, સાગર હિતેશ મહેતા તથા કેયુર નીતિન સંઘવી નામના ત્રણ શખ્સોએ ફરિયાદી અને સાહેદોને અપશબ્દો બોલી પ્રકાશે ફરિયાદી સાથે ઝપાઝપી કરી ધકો મારી નીચે પછાડી દીધા હતાં અને ત્રણેય આરોપીઓએ હાર્દિક તથા ઋષિને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ કપાળ પર બટકુ ભરી મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પારૂલબેન દ્વારા પ્રકાશ, સાગર અને કેયુર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી પીએસઆઈ એમ.એન. રાઠોડ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.


