જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં બેસણામાં ગયેલા પ્રૌઢને શેઠવડાળામાં દરબારગઢની ખુલ્લી જમીનની હરરાજી કરી વેંચી નાખવાની બાબતે બે શખ્સોએ આડેધડ માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે ઉપસરપંચના પતિએ યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતાં શાહનવાઝ નામના વ્યક્તિના બેસણામાં ગયેલા સુરેશભાઈ કરમશીભાઈ દઢાણિયા નામના પ્રૌઢ સાથે કિશન જીતેન્દ્ર જોશી અને હુશેન નુરમામદ ઉઢેજા નામના બે શખ્સોએ ગામની વચ્ચે આવેલા દરબારગઢની જમીનની હરરાજી કરી વેંચી નાખવી છે અને તું કાંઈ પણ બોલીશ તો મારી નાખવાની ધમકી આપી પ્રૌઢ સુરેશભાઈને જેમ ફાવે તેમ ગાળો કાઢી આડેધડ ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે ઉપસરપંચના પતિ સુરેશ દઢાણિયાએ જમીનની હરરાજી કરવાના મામલે કિશનને મારી પત્ની સેજલબેન પણ શેઠવડાળા ગામના ઉપસરપંચ છે જેથી હરરાજી કરવી હોય તો તારે મને પૂછવું પડે તેમ કહી કિશનને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
શેઠવડાળા ગામમાં મૃતકના બેસણામાં થયેલી સામસામી મારામારી સંદર્ભે ઉપસરપંચના પતિ સુરેશભાઈ એ કિશન અને હુશેન વિરૂધ્ધ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ સામા પક્ષે કિશન જોશીએ ઉપસરપંચના પતિ સુરેશ દઢાણિયા વિરૂધ્ધ ગાળો કાઢી માર મારી ધમકી આપ્યાની ફરિયાદન નોંધાવી હતી. જે સંદર્ભે એએસઆઇ એ.એમ. પરમાર તથા સ્ટાફે બંનેની સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.