કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનના પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. સંક્રમણ ફેલાવાના જોખમને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકાના દેશો પર ઘણા દેશોમાં મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ સાથે જ ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા આ અંગે મોનિટરિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિઅન્ટ ઓમીક્રોન અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે, જેમાં તમામને સઘન નિવારણ કરવા, દેખરેખના પગલાં વધારવા અને કોરોના રસીકરણને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, રાજ્યોએ કોવિડ હોટસ્પોટ પર નજર રાખવાનું ચાલુ રાખવું જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે, સાવચેતીના ભાગ રૂપે જે દેશોમાં આ પ્રકાર જોવા મળ્યો છે તે દેશોને જોખમી દેશો તરીકે ઓળખવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વધુ પગલાં અપનાવવા જોઈએ. આ પત્રમાં રાજેશ ભૂષણે ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકતાં કહ્યું છે કે, પર્યાપ્ત ટેસ્ટિંગના અભાવે ફેલાતા ચેપના સાચા સ્તરને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, બિમારી પર દેખરેખનું નેટવર્ક તૈયાર રહે તે જરૂરી છે.
અને તમામ દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ જેમાં ખાસ કરીને જોખમ શ્રેણીવાળા દેશોમાંથી આવતા લોકો પર દેખરેખ રાખવામાં આવે. આની સમીક્ષા તમારા સ્તરે થવી જોઈએ અને મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પ્રોટોકોલનું સખતપણે પાલન કરવું જોઈએ. કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યોએ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું જોઈએ અને ટેસ્ટિંગ ગાઈડલાઈનનો કડક અમલ કરવો જોઈએ. કોવિડ હોટસ્પોટ્સનું મોનિટરિંગ કરાય, જ્યાં વધુ સંખ્યામાં કેસ આવી રહ્યા છે. આવા હોટસ્પોટ્સમાં ટેસ્ટિંગ અને પોઝિટિવ સેમ્પલને તરત જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની તાત્કાલિક ખાતરી કરવી જોઈએ.