vadodara cctv viral video : વડોદરા જીલ્લાના વાઘોડીયા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો તે દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત હતો અને સામેથી આવી રહેલી બસની અડફેટે આવતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. શોકિંગ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રસ્તો ઓળંગતા સમયે મોબાઈલમાં ભાન ભૂલી ગયેલા યુવકને રસ્તા પર જ મોત મળ્યુ છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલ ધીરજ હોસ્પિટલ નજીક આ ઘટના બની છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સચિન કશ્યપ નામનો યુવક ધીરજ હોસ્પિટલમાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરતા સમયે ફોનમાં વાત કરી રહ્યો હતો અને તેને સામેથી આવી રહેલી બસ પણ ન દેખાણી અને બસ નીચે આવતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને નરી આંખે જોનાર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સિટી બસ ચાલક હિરાભાઇ બારીયા સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.